AI ના ઉપયોગ અંગે MIB લાલ આંખ: ટીવી સમાચારોમાં ચોકસાઈ અને પ્રમાણભૂતતા જાળવવા સૂચના

માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting – MIB)એ ખાનગી સેટેલાઇટ ટેલિવિઝન ચેનલોને સમાચાર પ્રસારણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence – AI) અને જનરેટિવ AIનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે AIનો ઉપયોગ માત્ર સહાયક સાધન (Assistive Tool) તરીકે થવો જોઈએ અને તેના કારણે સમાચારની ચોકસાઈ, વિશ્વસનીયતા કે સંવેદનશીલતા સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં.
21 ઑક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલી સલાહમાં સમાચાર કાર્યક્રમોનું નિર્માણ, ગ્રાફિક્સ અને વર્ચ્યુઅલ ન્યૂઝ પ્રેઝન્ટેશન સહિતના ક્ષેત્રોમાં AIના ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંત્રાલયે ચેનલોને કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 અને તેના નિયમો હેઠળ નિર્ધારિત કાર્યક્રમ સંહિતા (Programme Code)નું પાલન કરવા જણાવ્યું છે.
AIથી બનેલા સમાચાર અને દૃશ્યો
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખાનગી ટીવી ચેનલોમાં કાર્યક્રમ સંહિતાના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આંતરવિભાગીય સમિતિ (Inter-Departmental Committee – IDC)એ પણ નોંધ્યું છે કે સમાન વિષયો પર અનેક ચેનલો દ્વારા મળતાં આવતાં સમાચાર અને દૃશ્યો પ્રસારિત કરવામાં આવે છે.
આથી ચેનલોએ AI દ્વારા તૈયાર કરવામાં આવેલી સામગ્રીની હકીકતની ચકાસણી (Fact-checking) કરવી જરૂરી છે. ખોટી માહિતી, બનાવટી દૃશ્યો અથવા ભ્રામક રજૂઆતથી દર્શકો ગેરમાર્ગે દોરાય નહીં તેની જવાબદારી પ્રસારકોની રહેશે.
ગુના અને હિંસાના સમાચારમાં સંયમ રાખવાની સૂચના
મંત્રાલયે ગુના, હિંસા અને હૃદયદ્રાવક ઘટનાઓના દૃશ્યો પ્રસારિત કરતી વખતે સંપાદકીય વિવેક (Editorial Discretion) જાળવવા જણાવ્યું છે. અતિશય હિંસક દૃશ્યો વારંવાર બતાવવા અથવા તેને સતત લૂપમાં ચલાવવાથી દર્શકોને માનસિક તકલીફ થઈ શકે છે.
સમાચાર ચેનલોએ ગુના સંબંધિત અહેવાલોમાં ચકાસેલી હકીકતો રજૂ કરવી અને સંતુલિત અભિગમ (Balanced Reporting) અપનાવવો જોઈએ. ગુનાહિત વર્તનને મહિમા આપતી કે તેને સામાન્ય ગણાવતી રજૂઆત ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે.
જરૂર જણાય ત્યાં દૃશ્યોને બ્લર (Blur) અથવા માસ્ક કરવાની ભલામણ કરવામાં આવી છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓના અહેવાલોમાં વિશેષ સાવચેતી રાખવા પણ જણાવાયું છે.
જૂનાં દૃશ્યોને લાઇવ બતાવવાથી બચવું પડશે
કુદરતી આફતો, મોટા અકસ્માતો અને અન્ય ગંભીર ઘટનાઓના અહેવાલોમાં પણ ચકાસેલી માહિતીનો ઉપયોગ કરવો પડશે. જરૂર મુજબ દૃશ્યો પર સમય અને તારીખ દર્શાવતું ટાઇમસ્ટેમ્પ (Timestamp) મૂકવાનું કહેવામાં આવ્યું છે, જેથી જૂનાં દૃશ્યોને તાજાં કે લાઇવ દૃશ્યો સમજીને લોકોમાં ગભરાટ ફેલાય નહીં.
આતંકવાદ વિરોધી કામગીરી દરમિયાન સુરક્ષા દળોની લાઇવ કાર્યવાહીનું પ્રસારણ કરવા પરના પ્રતિબંધનો પણ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો છે. આવી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મીડિયા કવરેજ અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવતી સમયાંતરેની માહિતી સુધી મર્યાદિત રાખવાનું જણાવાયું છે.
લાઇવ ડિબેટ અને પેનલ ચર્ચા પર પણ નજર
લાઇવ ડિબેટ અને પેનલ ચર્ચામાં સાંપ્રદાયિક તણાવ, અપમાનજનક ભાષા કે ઉશ્કેરણીજનક સામગ્રી પ્રસારિત ન થાય તે માટે ચેનલોએ વધુ મજબૂત સંપાદકીય નિયંત્રણ રાખવું પડશે.
પેનલિસ્ટની પસંદગી અને તેમની તૈયારી અંગે સાવચેતી રાખવાની સાથે જરૂર પડે ત્યારે અવાજ બંધ કરવો (Muting), ચેતવણી આપવી (Disclaimer), ચર્ચા અટકાવવી અથવા પ્રસારણ બંધ કરવું જેવા પગલાં લઈ શકાય છે.
ભારતના નકશા અને પીડિતોની ઓળખ અંગે સૂચના
મંત્રાલયે ટીવી કાર્યક્રમો, ગ્રાફિક્સ અને ડિજિટલ રજૂઆતોમાં સર્વે ઓફ ઇન્ડિયા (Survey of India) દ્વારા પ્રકાશિત અધિકૃત ભારતના નકશાનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
જાતીય ગુનાઓના પીડિતોની ઓળખ જાહેર ન થાય તે માટે ફોટોગ્રાફ, પરિવારની વિગતો, રહેઠાણ વિસ્તાર કે ઓળખ છતી કરી શકે તેવી અન્ય માહિતી પ્રસારિત કરવાથી બચવું પડશે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર ચેનલો સામે કાર્યવાહી
મંત્રાલયે સમાચાર એકત્રિત કરવા, સંપાદન, નિર્માણ અને પ્રસારણ સાથે સંકળાયેલા કર્મચારીઓને કાર્યક્રમ સંહિતા અંગે તાલીમ આપવા તથા નિયમિત વર્કશોપ યોજવા પણ સૂચવ્યું છે.
સરકારે ચેતવણી આપી છે કે કાર્યક્રમ સંહિતાનું ઉલ્લંઘન થવા પર કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 અને સંબંધિત નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
આ સલાહનો મુખ્ય ઉદ્દેશ સમાચાર માધ્યમોમાં AIના જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવાનો, ખોટી માહિતી અટકાવવાનો અને દર્શકો સુધી વિશ્વસનીય તથા સંવેદનશીલ સમાચાર પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે










