મુંબઈમાં મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો શંકાસ્પદ આતંકી માહિમમાંથી ઝડપાયો

મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને એક મોટી સફળતા મળી છે. ATSની કાલાચૌકી યુનિટે મુંબઈના માહિમ વિસ્તારમાંથી પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા 33 વર્ષીય શંકાસ્પદ આતંકી મોહમ્મદ હસન અબુ સરમદ અખ્તરની ધરપકડ કરી છે. શુક્રવારે અદાલતે તેને વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
ગુપ્ત બાતમીના આધારે માહિમ મેટ્રો સ્ટેશન નજીકથી ધરપકડ
ATSના જણાવ્યા અનુસાર, માહિમ મેટ્રો સ્ટેશન નજીક એક શંકાસ્પદ શખ્સની હાજરી અંગે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે છટકું ગોઠવીને મોહમ્મદ હસન અબુ સરમદ અખ્તરને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તે મૂળ બિહારનો વતની છે અને છેલ્લા લગભગ દસ વર્ષથી મુંબઈમાં રહેતો હતો.
અત્તર વેચવા અને રેપિડો રાઇડરની આડમાં આતંકી ગતિવિધિ
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી પોતાની અસલી ઓળખ અને ગતિવિધિઓ છુપાવવા માટે સામાન્ય નાગરિકની જેમ રેપિડો રાઇડર (બાઇક ટેક્સી) અને અત્તર વિક્રેતા તરીકે કામ કરતો હતો. આ કામની આડમાં તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યુવાનોને ગેરમાર્ગે દોરવા અને કટ્ટરપંથી વિચારધારા ફેલાવવામાં સક્રિય હતો.
મસૂદ અઝહરની ઑડિયો ક્લિપ્સથી ભડકાવતો હતો
આરોપી વિરુદ્ધ ગંભીર આક્ષેપો છે કે તે સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ્સ શેર કરતો હતો અને જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરની ભડકાઉ ઑડિયો ક્લિપ્સ દ્વારા પ્રતિબંધિત સંગઠનનો પ્રચાર-પ્રસાર કરી રહ્યો હતો. તેનો મુખ્ય હેતુ સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવવાનો અને દેશવિરોધી લાગણીઓ ભડકાવવાનો હતો.
ATS હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું તે મુંબઈમાં કોઈ સ્લીપર સેલ બનાવવાની યોજના બનાવી રહ્યો હતો કે પછી તેને સરહદ પારથી કોઈ ખાસ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.













