Video: મુંબઈમાં જયશંકર-રુબિયો વચ્ચે હાઈ-પ્રોફાઈલ બેઠક: ભારત-US ટ્રેડ ડીલ પર અમેરિકાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પત્ની સાથે બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. મુંબઈમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધો, દ્વિપક્ષીય વેપાર તેમજ પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. રુબિયોએ ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત લીધા બાદ 26/11ના આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા તાજ મેમોરિયલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીતમાં ભારતને અમેરિકાનો અત્યંત મહત્વનો સાથી ગણાવ્યો હતો. તાજ મેમોરિયલમાં પત્રકારો સાથે વાત કરતા માર્કો રુબિયોએ કહ્યું કે, સૌથી પહેલા તો હું એ યાદ અપાવવા માંગીશ કે ભારતના વિદેશ મંત્રી 4 વખત અમેરિકા આવી ચૂક્યા છે. આ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. ભારત અમેરિકાનો એક મહત્વપૂર્ણ વાણિજ્યિક અને વ્યાવસાયિક ભાગીદાર છે. અમે સાથે મળીને ઘણો બધો સંરક્ષણ સહયોગ પણ કરીએ છીએ.







