મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીના IGI એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ટર્મિનલની છત તૂટતા અનેક કાર દબાઈ, છ ઘાયલ

દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર છત પડી જવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. શુક્રવારે સવારે ટર્મિનલ

VIDEO: દિલ્હીના IGI એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ટર્મિનલની છત તૂટતા અનેક કાર દબાઈ, છ ઘાયલ

દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર છત પડી જવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. શુક્રવારે સવારે ટર્મિનલ 1 પર એરપોર્ટની છત એક વાહન પર પડી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતની તસવીરો પણ સામે આવી છે, જેમાં ટર્મિનલની ભારે છત વાહનો પર પડી છે.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી પડી

 દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત પડતા અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક વ્યક્તિ ફસાઈ ગયો હતો.

ફાયર વિભાગે ફસાયેલા એક વ્યક્તિને બચાવી લીધો 

આજે સવારે 5.30 વાગ્યે  ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી જવાની માહિતી ફાયર વિભાગને મળી હતી, આ  માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ ઘટનામાં ઘણી કારો દબાઈ ગઈ હતી. એક કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી એક કારમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો, તેને ફાયર વિભાગે બચાવી લીધો હતો.

દિલ્હી, નોઈડામાં ભારે વરસાદ

શુક્રવારે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. નોઈડા, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એક કલાકથી વધુ સમય સુધી ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી હતી તો અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે દિલ્હી-એનસીઆરમાં સવારથી વાહનોના પૈડા થંભી ગયા હતા. ભારે પવનને કારણે અનેક વૃક્ષો તૂટ્યા હોવાની પણ માહિતી છે.

આ સમાચાર શેર કરો