મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી પદ અંગે શિંદેએ આપ્યું મોટું નિવેદન
Maharashtra Election Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ ગઠબંધને

Maharashtra Election Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ ગઠબંધને અભૂતપૂર્વ સફળતા મળી છે. ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારે મીડિયાને સંબોધિત કરી હતી. જેમાં નેતાઓએ મીડિયા સામે પહેલા વિજય ચિન્હ બતાવ્યો હતો.
લોકોએ મહાયુતિ ગઠબંધન પ્રત્યે પ્રેમ દર્શાવ્યો- સીએમ શિંદે
સીએમ શિંદેએ કહ્યું, 'મહારાષ્ટ્ર માટે આ એક ઐતિહાસિક દિવસ છે, અમે ઘણી ચૂંટણીઓ જોઈ છે, પરંતુ આ ચૂંટણીમાં લોકોએ અલગ પરિણામ બતાવ્યું. લોકોએ મહાયુતિ ગઠબંધન પ્રત્યે પ્રેમ દર્શાવ્યો. લાડલી બહેન જેવી યોજનાઓએ લોકોને મદદ કરી છે. બધાએ મહાયુતિ પ્રત્યે પ્રેમ અને લાગણી દર્શાવી. અમે તેને સલામ કરીએ છીએ.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું છે કે, ‘જે રીતે અમે એકસાથે ચૂંટણી લડ્યા છીએ તે જ રીતે નવા મુખ્યમંત્રીનો ચહેરો પણ સાથે મળીને નક્કી કરવામાં આવશે.’
એક પણ ગઠબંધનને આવો જનાદેશ મળ્યો નથી - અજિત પવાર
મહારાષ્ટ્રમાં પરિણામ બાદ મહાયુતિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અજિત પવારે કહ્યું કે, અમારા પર આરોપો લાગ્યા, લોકસભાચૂંટણી દરમિયાન અમને ધારી સફળતા ન મળ્યા બાદ અમે કેટલીક યોજના લાવ્યા જે ગેમચેન્ચર સાબિત થઈ રહી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી એક પણ ગઠબંધનને આવો જનાદેશ મળ્યો નથી.
સહમતિથી નક્કી થશે મુખ્યમંત્રી
એનડીએનો પ્રત્યેક ઘટક પક્ષ પોતાના નેતાને જ સત્તાસૂત્રો સોંપાય એવી અપેક્ષા રાખી રહ્યો છે, પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ એ પ્રકારનું અપાઈ રહ્યું છે કે અમે સૌની સહમતિથી નિર્ણય લઈશું. આખરી નિર્ણય ભાજપના સંસદીય બોર્ડ અને શિવસેના-એનસીપી હાઈકમાન્ડની સંમતિથી લેવામાં આવશે.
રાજ્યની કુલ 288 બેઠકોમાંથી એનડીએને આ લખાય છે ત્યાં સુધીમાં 220 બેઠકો પર લીડ મળી છે, જેમાં ભાજપ 128 સીટ સાથે સૌથી આગળ છે. તે પછી શિંદેની પાર્ટીના 53 અને અજિત પવારની પાર્ટીના 36 ઉમેદવારો આગળ છે. દેખીતું છે કે એનડીએ જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થયો છે કે રાજ્યના મુખ્યમંત્રી કોને બનાવાશે? એકનાથ શિંદે પોતાનું સ્થાન જાળવી રાખશે? દેવેન્દ્ર ફડણવીસને બીજી વાર મુખ્યમંત્રી બનાવાશે? કે પછી કોઈ નવો જ ચહેરો સર્વોચ્ચ સત્તા-સ્થાને બિરાજશે? ત્યારે આ સવાલો વચ્ચે મહાયુતિના નેતાઓ પત્રકાર પરિષદ કરી છે. આ પરિષદમાં મુખ્યમંત્રી એકનાથ શિંદ, બંને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે હતા.







