બિટકૉઇનના આરોપ પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, સુપ્રિયા સુલે સાથે ઝઘડ્યા અજિત પવાર
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન વચ્ચે બે મુદ્દા ચર્ચામાં છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર કેશ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન વચ્ચે બે મુદ્દા ચર્ચામાં છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર કેશ ફોર વોટનો આરોપ લાગ્યા બાદ ભાજપે બિટકોઇનનો બોમ્બ ફોડ્યો છે જેમાં સુપ્રિયા સુલે અને નાના પટોલે પર આરોપ લગાવવામાં આવ્યો છે.
શું છે ઘટના?
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદી એક પ્રેસ કોન્ફરન્સ કરતા કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડીના નેતાઓ તરફથી બિટકોઇનને કેશ ટ્રાન્જેક્શન સાથે જોડાયેલી ચેટ્સ અને ઓડિયો ક્લિપ મીડિયા સામે મુકી હતી.
બિટકોઇન વિવાદમાં નામ સામે આવ્યા બાદ સુપ્રિયા સુલે ભડક્યા હતા અને ભાજપ પર માનહાનિનો કેસ કરવાની ધમકી આપી હતી. બીજી તરફ નાના પટોલેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ તરફ અજિત પવારે પણ આ ઘટનાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે.
બિટકોઇન વિવાદ પર અજિત પવારે શું કહ્યું?
સુપ્રિયા સુલે અને નાના પટોલે પર લાગેલા આરોપો પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને બારામતી વિધાનસભાના NCP ઉમેદવાર અજિત પવારે કહ્યું- "તેમની જે ઓડિયો ક્લિપ બતાવી રહ્યાં છે, હું માત્ર એટલું જાણું છું કે મે તે બન્ને સાથે કામ કર્યું છે તેમાંથી એક મારી બહેન છે અને બીજા સાથે મે ઘણુ કામ કર્યું છે. ઓડિયો ક્લિપમાં તેમનો જ અવાજ છે, હું તેમનો લહેકો જણાવી શકુ છું. તપાસ કરવામાં આવે અને તપાસ બાદ વસ્તુ સ્પષ્ટ થઇ જશે."
સુપ્રિયા સુલેએ શું કહ્યું?
સુપ્રિયા સુલેએ બિટકોઇનના આરોપો પર કહ્યું, "મીડિયાએ મને તે તમામ વોઇસ રેકોર્ડિંગ મોકલી છે. સૌથી પહેલા મે પૂણે કમિશનરને ફોન કર્યો અને જણાવ્યું કે કેટલાક ફેક વીડિયો ચાલી રહ્યાં છે અને હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા માંગુ છું. મે તરત જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી કે આ તમામ વોઇસ નોટ્સ અને મેસેજ ખોટા છે, માટે મે સાયબર ક્રાઇમને નોટિસ મોકલી છે.'
સુપ્રિયા સુલેએ વધુમાં કહ્યું કે, 'ભાજપના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તે બાદ મે પોતાના વકીલોને બોલાવ્યા અને આજ સવારે મે સુધાંશુ ત્રિવેદીને ગુનાહિત માનહાનિની નોટિસ મોકલી છે. હું સુધાંશુ ત્રિવેદીને ક્યારેય પણ જે શહેરમાં ઇચ્છે, જે ચેનલ પર ઇચ્છે, જે સમયે ઇચ્છે, તે મને જ્યાં પણ બોલાવે હું જઇશ અને તેમને જવાબ આપીશ.'
નાના પટોલેએ શું કહ્યું?
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે, 'ભાજપે ચૂંટણીના એક દિવસ પહેલા ખરાબ હરકત કરી છે. તે મારો અવાજ નથી, હું તો ખેડૂત છું મને બિટકોઇન શું છે તે પણ સમજમાં નથી આવતું. ભાજપે મને બદનામ કરવો જોઇતો નહતો. અમે ભાજપ પાસે કંઇક બીજી આશા નથી રાખી શકતા.'
આ પણ વાંચો: વિનોદ તાવડે બાદ શિવસેનાના નેતા પર વોટના બદલે નોટનો આરોપ, કારમાંથી કરોડો રૂપિયા મળ્યા
શરદ પવારે સુપ્રિયા સુલે પર લાગેલા આરોપો પર શું કહ્યું?
NCP અધ્યક્ષ શરદ પવારે સુપ્રિયા સુલે પર લાગેલા આરોપો પર કહ્યું કે, 'જે વ્યક્તિએ આરોપ લગાવ્યા છે, તે કેટલાક મહિના સુધી જેલમાં રહ્યો છે. આવા વ્યક્તિને સાથે રાખીને ખોટા આરોપ લગાવવા આવું માત્ર ભાજપ જ કરી શકે છે.શરદ પવારે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ ક્યા સ્તર સુધી જઇ શકે છે તેનું આ મોટું ઉદાહરણ છે.'
ઉદ્ધવ ઠાકરેએ પણ આપી પ્રતિક્રિયા
બિટકોઇન ઓડિયો ક્લિપ વિવાદ પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ કેટલું પણ જૂઠ બોલી લે...જનતા બધુ જાણે છે.
સંજય રાઉતે શું કહ્યું?
સંજય રાઉતે કહ્યું, 'વિનોદ તાવડેથી ફોકસ હટાવવા માટે આ બધુ કરવામાં આવ્યું છે.ઘરનો કોઇ ભેદી છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ તેમની ગેમ કરી નાખી છે.'








