મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષને વધુ એક ફટકો, 'વિપક્ષના નેતા'નું પદ ખાલી રહેશે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામોની ઘોષણા પછી, વિપક્ષ મહા વિકાસ અઘાડીને જોરદાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામોની ઘોષણા પછી, વિપક્ષ મહા વિકાસ અઘાડીને જોરદાર ફટકો પડ્યો છે. મહાયુતિ ગઠબંધનને મોટી જીત સાથે પાંચ વર્ષ સુધી વિરોધ વિના શાસન કરવાનો મોકો મળવા જઈ રહ્યો છે. જો કે, 10 વર્ષ પછી સંસદમાં વિપક્ષના નેતા મળ્યા છે, પરંતુ આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષનો કોઈ નેતા નહીં હોય. જનાદેશ આવ્યા બાદ વિપક્ષ પાસે વિપક્ષના નેતા માટે જરૂરી આંકડો પણ નથી.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહાયુતિ ગઠબંધનને આ વખતે 230 બેઠકો મળી છે. જેમાં ભાજપને 132, શિંદેની શિવસેનાને 57 અને અજિત પવારની એનસીપીને 41 બેઠકો મળી છે. જ્યારે મહા વિકાસ આઘાડીને લગભગ 50 બેઠકો મળી છે. જેમાં શિવસેના, યુબીટીને 20, કોંગ્રેસને 16, એનસીપી-એસપીને 10 અને સમાજવાદી પાર્ટીને 2 બેઠકો મળી છે. અન્યને 10 બેઠકો મળી છે. અન્યોમાં, જનસુરાજ્ય શક્તિ એટલે કે JSSને 2 બેઠકો, રાષ્ટ્રીય યુવા સ્વાભિમાન પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષ, AIMIM, CPM, PWPI, રાજર્ષિ શાહુ વિકાસ આઘાડીને એક-એક બેઠક મળી છે. એક અપક્ષ પણ ધારાસભ્ય બન્યા છે.
વિપક્ષના નેતા બનવાની લાયકાત શું છે? નિયમો શું છે?
કાયદાકીય નિયમો અનુસાર, વિપક્ષના નેતા બનવા માટે કોઈપણ ગૃહના કુલ સભ્યોના ઓછામાં ઓછા 10 ટકા સભ્યો જરૂરી છે. એટલે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે, તેથી તેમાંથી દસ ટકા ઓછામાં ઓછી 29 બેઠકો હોવી જરૂરી છે. પરંતુ વિધાનસભાના પરિણામો અનુસાર હાલમાં કોઈપણ વિરોધ પક્ષ પાસે આ સંખ્યા નથી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શિવસેના (UBT)એ 20 બેઠકો જીતી છે. જેમને પોતાના ધારાસભ્યને વિપક્ષના નેતા બનાવવા માટે વધુ 9 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસે 16 બેઠકો જીતી છે. NCP (SP)એ 10 બેઠકો જીતી છે. આ ત્રણ મુખ્ય વિપક્ષી દળોમાં કોઈપણ પક્ષ પાસે 29 ધારાસભ્યોની સંખ્યા નથી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મનસે ના કરી શકી નવનિર્માણ, જુઓ રાજઠાકરેની પાર્ટીના પરિણામો
નિયમો કહે છે કે વિપક્ષનો નેતા ફક્ત એક જ મુખ્ય વિપક્ષી પાર્ટીમાંથી હોઈ શકે છે, પરંતુ કોઈપણ પક્ષ પાસે આ સંખ્યા નથી. જો વિપક્ષી ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ઉમેરવામાં આવે તો આ સંખ્યા પૂર્ણ થઈ જશે પરંતુ નિયમોમાં આવું નથી. આવી સ્થિતિમાં આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા વિપક્ષી નેતા વિના ચાલશે.








