ભાજપના આ ઉમ્મેદવાર લાલુ-રાબડી અને વેવાણ પછી હવે દીકરી સામે લડશે ચૂંટણી
આ વખતે લોકસભા ચૂંટણીમાં સારણ બેઠક પર ચૂંટણીની જંગ

આ વખતે લોકસભા ચૂંટણીમાં સારણ બેઠક પર ચૂંટણીની જંગ રસપ્રદ રહેશે. લાલુ-રાબડી અને તેમના વેવાણ પછી હવે લાલુ પ્રસાદ યાદવનાં દીકરી રોહિણી બિહારના સારણથી ચૂંટણી લડવાનાં છે. આરજેડીએ આ બેઠકથી લાલુ પ્રસાદ યાદવનાં દીકરી રોહિણી આચાર્યને મેદાનમાં ઉતાર્યાં છે જ્યારે બીજેપીએ એવા નેતાને મેદાનમાં ઉતાર્યા છે લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીની સામે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. સારણ બેઠકથી ચૂંટણી લડી રહેલા બીજેપી ઉમ્મેદવાર રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે, તેઓ શરૂઆતથી જ લાલુ પ્રસાદ યાદવના પરિવાર સામે ચૂંટણી લડતા આવ્યા છે.
રાજીવ પ્રતાપ રૂડીની યાદવ પરિવાર સામે હાર અને જીત
રાજીવ પ્રતાપ રૂડીની ખાસ વાત એ છે કે તેઓ લાલુ પ્રસાદ યાદવ સામે હારી ગયા છે જ્યારે રાબડી દેવીને હરાવ્યા છે. હવે લોકસભા 2024ની ચૂંટણીમાં તેઓ લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી સામે ચૂંટણી લડશે. હવે જોવાનું એ રહેશે કે આ બેઠક પર રોહિણી સામે તેમની જીત થાય છે કે પછી હાર. રાજીવ પ્રતાપ રૂડી 1990માં પહેલીવાર વિધાનસભા પહોંચ્યા હતા. આ પછી તેમણે લાલુ પ્રસાદ યાદવનો ગઢ ગણાતી બેઠક પરથી 1996માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. આ એ સમય હતો જ્યારે લાલુ પ્રસાદ યાદવ બિહારના રાજકારણમાં પાવર સેન્ટર હતા. જોકે, 1998ની ચૂંટણીમાં ભાજપે ફરી રૂડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ તે સમયે હીરાલાલ રાયે રૂડીને હરાવીને આ બેઠક ફરી એકવાર આરજેડીને અપાવી દીધી હતી. ત્યારબાદ રૂડી 1999માં ફરી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.
2004માં લાલુ પ્રસાદ યાદવે પોતાની બેઠક પાછી મેળવી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે 2004માં પોતાનો ગઢ પાછો મેળવવા માટે સારણ (તે સમયે છપરા) બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. ભાજપે લાલુ પ્રસાદ યાદવની સામે રાજીવ પ્રતાપને જ ટિકિટ આપી હતી. જોકે, લાલુ પ્રસાદ યાદવે રાજીવ પ્રતાપને લગભગ 60 હજાર મતોના અંતરથી હરાવીને ફરી બેઠક કબજે કરી હતી. આ પછી લોકસભા 2014ની ચૂંટણીમાં ફરી ચિત્ર બદલાયું. ચારા કૌભાંડ કેસમાં દોષિત જાહેર થયા બાદ લાલુ પ્રસાદ યાદવ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગ્યો હતો. લાલુએ આ બેઠક પરથી તેમની પત્ની અને બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને મેદાનમાં ઉતાર્યાં હતાં.
2014માં ભાજપે ફરી રૂડીને મેદાનમાં ઉતાર્યા
તે સમયે એક તરફ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર હતી તો બીજી તરફ લાલુ પ્રસાદ યાદવે પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી નેતાઓ અને કાર્યકરોને એકત્ર કર્યા પરંતુ પરિણામ રૂડીની તરફેણમાં આવ્યું હતું. રાબડી દેવી 40 હજાર 948 વોટના અંતરથી રૂડીએ સામે હારી ગયાં હતાં. ભાજપે 2019માં ફરી રૂડીને ટિકિટ આપી હતી અને ત્યારે તેમનો મુકાબલો લાલુ પ્રસાદ યાદવનાં વેવાણ ચંદ્રિકા રાય સાથે હતો. એ વખતે રાજીવ પ્રતાપ રૂડીનો જાદુ અને મોદી લહેરમાં તેમણે ચંદ્રિકા રાયને એક લાખ 38 હજાર 429 મતોના જંગી અંતરથી પરાજય આપ્યો હતો.
આ બેઠક પર લાલુ યાદવ અને રાજીવ રૂડી ચાર-ચાર વખત જીત્યા
નોંધનીય છે કે સારણ બેઠક પર રૂડીનો બે વખત લાલુ યાદવ, એક વખત રાબડી દેવી અને એક વખત લાલુનાં નજીકનાં મિત્ર ચંદ્રિકા રાય સાથે સામનો થયો હતો. લાલુ યાદવ સામે બંને ચૂંટણીમાં રૂડીનો પરાજય થયો હતો પરંતુ અન્ય કોઈ સભ્ય કે સંબંધી તેમની સામે ચૂંટણી જીતી શક્યો નથી. સારણ લોકસભા બેઠકનું નામ પહેલા છપરા હતું. છપરા શહેર સારણ જિલ્લાનું મુખ્ય મથક પણ છે. આ બેઠક પરથી બંને નેતાઓ ચાર-ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. લાલુ યાદવ 1977, 1989, 2004 અને 2009માં આ બેઠક પરથી સાંસદ હતા જ્યારે રૂડી 1996, 1999, 2014 અને 2019માં આ બેઠક પરથી સાંસદ હતા.







