મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદનો દાવો કરનારા નેતા માંડ માંડ જીત્યાં
મહારાષ્ટ્રમાં વિધાનસભામાં મહાવિકાસ અઘાડી (MVA)ના કોંગ્રેસના ઉમેદવાર નાનાભાઉ પ

મહારાષ્ટ્રમાં વિધાનસભામાં મહાવિકાસ અઘાડી (MVA)ના કોંગ્રેસના ઉમેદવાર નાનાભાઉ પટોલે માંડ માંડ ચૂંટણી જીત્યા છે. સાકોલી બેઠક પરથી ચૂંટણી લડતા મહારાષ્ટ્ર કોંગ્રેસના ઉમેદવાર નાનાભાઉ પટોલેને માત્ર 208 મતે જ જીત મળી છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ સૌથી ઓછા મતે જીત છે. ભાજપના નેતાએ અંત સુધી જોરદાર ટક્કર આપી હતી.
નાનાભાઉ પટોલે માત્ર 208 મતે જીત્યા
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાનાભાઉ પટોલેને સાકોલી વિધાનસભા બેઠક પર 96795 મત મળ્યા હતા જ્યારે ભાજપના અવિનાશ બ્રહ્મણકરને 96587 મત મળ્યા હતા. ત્રીજા નંબરે અપક્ષ ઉમેદવાર ડૉ. સોમદત્તને 18309 મત મળ્યા હતા.
મતગણતરી દરમિયાન નાના પટોલે ક્યારેક આગળ તો ક્યારેક પાછળ રહ્યાં હતા. બીજા રાઉન્ડ બાદ નાના પટોલે 687 મતથી આગળ હતા. પાંચમા રાઉન્ડ બાદ તેમનું માર્જિન ઓછું થઇ ગયું અને તે 359 મતથી લીડ કરતા હતા. 8માં રાઉન્ડ બાદ તેમની લીડ 546 મત થઇ ગઇ હતી. તે બાદ તેમની લીડ ક્યારેક 321 તો ક્યારેક 469 મતની રહી હતી. 16માં રાઉન્ડ બાદ તે 123 મતથી પાછળ થઇ ગયા હતા. આ દરમિયાન શ્વાસ રોકી દેનારો રોમાંચ કાઉન્ટિંગ સેન્ટર પર જોવા મળ્યો હતો.જોકે, અંતે 28માં રાઉન્ડની ગણતરી બાદ તે 208 મતે વિધાનસભા ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં હતા.
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદનો કર્યો હતો દાવો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ દાવો કર્યો હતો કે રાજ્યમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી (MVA)ની સરકાર બનશે. કોંગ્રેસ સૌથી વધુ બેઠક જીતશે અને તે મુખ્યમંત્રી પદનો ચહેરો પણ બનશે.જોકે, નાના પટોલેના આ દાવા પર મહાવિકાસ અઘાડીની જ સહયોગી પાર્ટી શિવસેના (ઉદ્ધવ)ના નેતા સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા હતા.
સંજય રાઉતે કહ્યું હતું કે, જો રાજ્યમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનશે તો મુખ્યમંત્રી પદનો ચહેરો MVA ગઠબંધનના સહયોગીઓ દ્વારા સંયુક્ત રીતે નક્કી કરવામાં આવશે. રાઉતે કહ્યું હતું કે, કોંગ્રેસ હાઇકમાને પટોલેને કહ્યું કે તે મુખ્યમંત્રી પદનો ચહેરો બનશે તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ તેની જાહેરાત કરવી જોઇએ.
જોકે, જે રીતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા છે તેને જોતા કોંગ્રેસ તો શું મહાવિકાસ અઘાડી માત્ર 50 બેઠકનો આંકડો પણ પાર કરી શકી નથી. મહાવિકાસ અઘાડીને માત્ર 288 વિધાનસભામાંથી માત્ર 49 બેઠક જ મળી છે.શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સૌથી વધુ 20 બેઠક જીતવામાં સફળ રહી છે. જ્યારે કોંગ્રેસને 16 બેઠક પર જીત મળી છે. NCP (શરદ પવાર) 10 બેઠક પર જીતવામાં સફળ રહ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? ફડણવીસ કે શિંદે RSSની પ્રથમ પસંદ કોણ
કોણ છે નાના પટોલે?
નાના પટોલે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં સાકોલી બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી છે. 2009માં નાના પટોલે ભાજપના સભ્ય હતા. ભંડારા-ગોડિયા બેઠક પરથી તે 16મી લોકસભામાં સંસદ સભ્ય બન્યા હતા. 2017માં તેમને ભાજપ અને લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું. 11 જાન્યુઆરી 2018માં તે કોંગ્રેસમાં સામેલ થયા હતા.
નાના પટોલેએ 2014માં લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. નાના પટોલેએ તત્કાલીન કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલને 149,254 મતે હરાવ્યા હતા. તે 2009થી 2014 સુધી સાકોલી વિધાનસભાના સભ્ય પણ રહી ચુક્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમત મળ્યો છે. 288 સભ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિને 233 બેઠક પર જીત મળી છે. મહાવિકાસ અઘાડીને માત્ર 49 બેઠક પર જીત મળી છે જ્યારે અન્ય 6 ઉમેદવાર જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે.








