VIDEO: કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, 100થી વધુ લોકો દટાયા; 24 લોકોના મોત
કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા 100થી વધુ લોકો દટાયા છે. આ દૂર્ઘટનામાં 24 લોકોના મ

કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા 100થી વધુ લોકો દટાયા છે. આ દૂર્ઘટનામાં 24 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. સ્થિતિ એટલી ખરાબ છે કે એરફોર્સે તમિલાડુથી બે હેલિકોપ્ટરને મોકલવા પડ્યા છે.
16 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભૂસ્ખલનથી ઘાયલ 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું હતું.
વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જારી કરવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALHને તામિલનાડુના સુલુરથી સવારે 7.30 વાગ્યે રવાના કરવામાં આવ્યા છે.
કેન્દ્ર તમામ શક્ય મદદ કરશે - પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી વ્યથિત છે. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલો માટે પ્રાર્થના. હાલમાં તમામ અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કેરળના મુખ્ય પ્રધાન શ્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી અને ત્યાંની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.
પીએમ મોદીએ ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલ લોકોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
ભૂસ્ખલનથી ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવામાં આવશે- રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડના મેપ્પડી પાસે થયેલા મોટા ભૂસ્ખલન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે મારી હૃદયપૂર્વકની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું આશા રાખું છું કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેઓને જલ્દી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે. મેં કેરળના મુખ્યમંત્રી અને વાયનાડના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને ખાતરી આપી છે કે બચાવ કામગીરી ચાલુ છે. મેં તેમને વિનંતી કરી છે કે તેઓ તમામ એજન્સીઓ સાથે સંકલન સુનિશ્ચિત કરે, કંટ્રોલ રૂમની સ્થાપના કરે અને રાહત પ્રયાસો માટે જરૂરી કોઈપણ સહાય વિશે અમને જણાવે. હું કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરીશ અને તેમને વાયનાડને શક્ય તમામ મદદ આપવા વિનંતી કરીશ. હું તમામ UDF કાર્યકરોને બચાવ અને રાહત કામગીરીમાં વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરું છું.








