'લેન્ડ ફોર જોબ' કેસમાં લાલુ યાદવ સામે ચાલશે કેસ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
RJDના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ સીએમ લ

RJDના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ પર કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડમાં કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયે CBIની અંતિમ ચાર્જશીટ પર કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટને આ અંગે માહિતી આપવામાં આવી છે.
મળતા અહેવાલ મુજબ 'લેન્ડ ફોર જોબ' સ્કેમ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબરે દિલ્હી કોર્ટમાં થશે. સીબીઆઈએ અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલયને અરજી આપી છે. તપાસ એજન્સીને આશા છે કે તેમની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે.
જણાવી દઈએ કે, એક દિવસ અગાઉ જ લેન્ડ ફોર જોબ કેસમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે EDની પૂરક ચાર્જશીટને ધ્યાનમાં લઈને આ કેસમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કર્યા છે. કોર્ટે તેને 7 ઓક્ટોબરે હાજર થવા જણાવ્યું છે. ખાસ વાત એ છે કે આ મામલામાં લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પણ પહેલીવાર કોર્ટ તરફથી સમન્સ મળ્યું છે.
જણાવી દઈએ કે, વર્ષ 2004થી 2009 વચ્ચેના સમયગાળા દરમિયાન લાલુ યાદવ રેલવે મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન નિયમોની અવગણના કરીને કેટલાક લોકોને રેલવે ગ્રુપ ડીની પોસ્ટ પર નોકરી આપવામાં આવી હતી. તેના બદલામાં લાલુ પરિવારના સભ્યો અને અન્ય સહયોગીઓના નામે જમીનોની નોંધણી કરવામાં આવી હોવાનો આરોપ છે. સીબીઆઈ આ કેસના ગુનાહિત પાસા પર તપાસ કરી રહી છે, જ્યારે ઈડી મની લોન્ડરિંગના પાસા પર તપાસ કરી રહી છે. બંને તપાસ એજન્સીઓએ લાલુ યાદવની મુશ્કેલી વધારી છે.






