સિક્કિમમાં જંગી જીતના હીરો પ્રેમ સિંહ તમાંગ કોણ છે?
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. સિક્કિમમાં સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. સિક્કિમમાં સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ને પ્રચંડ બહુમતી મળી છે. 32માંથી 31 બેઠકો જીતી છે. એક બેઠક પર SDFના ખાતામાં ગઈ છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપનાં ખાતામાં એક પણ સીટ આવી નથી.
નેપાળી માતા-પિતા કાલુ સિંહ તમાંગ અને ધન માયા તમાંગના પુત્ર પ્રેમસિંહ તમાંગનો જન્મ 5 ફેબ્રુઆરી 1968ના રોજ થયો હતો. તેમણે દાર્જિલિંગની એક કોલેજમાંથી બીએનો અભ્યાસ કર્યો હતો. સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
સમાજ સેવા માટે સરકારી નોકરી છોડી
તમાંગે સમાજ સેવા માટે ત્રણ વર્ષ સેવા કર્યા બાદ સરકારી નોકરી છોડી દીધી અને પછી SDFમાં સામેલ થઈ ગયા. તેઓ 1994થી સતત પાંચ વખત સિક્કિમ વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેમણે 2009 સુધી SDF સરકારમાં મંત્રી તરીકે કામ કર્યું છે.
ચામલિંગે મંત્રી પદ ના આપતા તમાંગે પાર્ટી છોડી
SDF સરકારના ચોથા કાર્યકાળ (2009-14) દરમિયાન ચામલિંગે તેમને મંત્રી પદ આપવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ તમાંગે એ પાર્ટી છોડી દીધી અને પોતાની પાર્ટી બનાવી. તેમણે SDFના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને SKM ચીફ તરીકેનો જવાબદારી સંભાળી.
2013માં પાર્ટી બનાવી
ચામલિંગની આગેવાની હેઠળના SDFના સ્થાપક સભ્ય પ્રેમસિંહ તમાંગે પૂર્વ મુખ્યમંત્રી સામે બળવો કરીને 2013માં સિક્કિમ ક્રાંતિકારી મોરચાની રચના કરી હતી. તેમણે SDF પર ભ્રષ્ટાચાર અને કુશાસનનો આરોપ લગાવ્યો હતો. ગઠનના આગામી વર્ષે જ 2014ની વિધાનસભા ચૂંટણીમાં SKMએ 10 બેઠકો જીતી હતી.
2016માં જેલ જવું પડ્યું હતું
2016માં તમાંગને 1994 અને 1999ની વચ્ચે સરકારી પૈસાની ઉચાપત કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બાદમાં વિધાનસભામાં તેમની સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી હતી. પ્રેમસિંહ તમાંગ રાજ્યના પ્રથમ એવા રાજનેતા હતા જેમને સજા મળ્યા બાદ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.







