મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પ્રેમીઓમાં ચુંબન- આલિંગન સ્વાભાવિક બાબત, જાતીય સતામણી મુદ્દે હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો

પ્રેમિકાને આલિંગન કરી ચુંબન કરવાના આરોપસર જાતીય સતામણીના આરોપનો સામનો કરી રહેલા યુવકને

પ્રેમીઓમાં ચુંબન- આલિંગન સ્વાભાવિક બાબત, જાતીય સતામણી મુદ્દે હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો

પ્રેમિકાને આલિંગન કરી ચુંબન કરવાના આરોપસર જાતીય સતામણીના આરોપનો સામનો કરી રહેલા યુવકને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. મદ્રાસ હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં જણાવ્યું કે, પ્રેમમાં રહેલા યુવક અને યુવતી વચ્ચે આલિંગન અને ચુંબન એ સ્વાભાવિક બાબત છે. આમાં કોઈ જાતનો ગુનો નોંધી શકાય નહીં. જણાવી દઈએ કે, મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ એક અરજી પર સુનાવણી કરતા જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા એક યુવકની અરજી પણ સુનાવણી કરીને રાહત આપી છે. હાઈકોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 354A હેઠળ યુવક સામે ફોજદારી કાર્યવાહી સમાપ્ત કરવા માટે સૂચના આપી છે.

આ પણ વાંચોઃ કોઇનું ઘર ના તોડી શકાય, બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

એક અહેવાલ મુજબ આ અરજીની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ આનંદ વેંકટેશે કહ્યું, 'આઈપીસીની કલમ 354-એ (1) (i) હેઠળના અપરાધ માટે પુરુષ તરફથી શારીરિક સંપર્ક થવો જરૂરી છે. જેમાં અયોગ્ય રીતે સ્પર્શ અને યૌન ગતિવિધિઓ શામેલ છે. કિશોરાવસ્થા દરમિયાન પ્રેમ સંબંધ ધરાવતી બે વ્યક્તિઓ વચ્ચે આલિંગન અથવા ચુંબન થવું સ્વાભાવિક છે. જે કોઈપણ રીતે આ IPCની કલમ 354-A(1)(i) હેઠળ ગુનો બની શકતો નથી.

અરજદારે ફરિયાદીને ગળે લગાડીને ચુંબન કર્યું હતું

મદ્રાસ હાઈકોર્ટમાં સંથાગનેશ વતી એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે ઓલ વુમન પોલીસ સ્ટેશન દ્વારા તેની સામે નોંધાયેલ FIR રદ કરવાની માંગ કરી હતી. આ FIR IPCની કલમ 354-A(1)(i) હેઠળ નોંધવામાં આવી હતી. આરોપો એવા હતા કે, ફરિયાદી સાથે પ્રેમ સંબંધ ધરાવતા અરજદારે તેને 13 નવેમ્બર 2022ના રોજ એક જગ્યાએ બોલાવી હતી. તેના પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે બંને વાત કરી રહ્યા હતા એ સમયે અરજદારે ફરિયાદીને ગળે લગાડીને ચુંબન કર્યું હતું.

યુવકે લગ્નની ના પાડી અંતર જાળવ્યું

રિપોર્ટ અનુસાર, ફરિયાદીએ તેના માતા-પિતાને આ વિશે જાણ કરી અને અરજદારને લગ્ન માટે પૂછ્યું હતું. જ્યારે અરજદારે લગ્ન કરવાની ના પાડી અને તેનાથી અંતર જાળવવાનું શરૂ કર્યું. તો ફરિયાદ નોંધાવી દેતા તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી.

 અરજદાર સામે કોઈ ગુનો બનતો નથી

આ કેસમાં છોકરાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે આ કેસની સુનાવણી કરતાં કહ્યું કે, FIRમાં નોંધાયેલા આરોપોને સાચા તરીકે સ્વીકારવામાં આવે તો પણ અરજદાર સામે કોઈ ગુનો બનતો નથી. આવી સ્થિતિમાં તેની સામે કાનૂની કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.

આ સમાચાર શેર કરો