Video/ કેરળના દંપતીએ હોસ્પિટલમાં કરવા પડ્યા લગ્ન, કારણ જાણી યાદ આવી જશે 'વિવાહ' ફિલ્મ
કેરળમાંથી એક હૃદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. આ ઘટના

કેરળમાંથી એક હૃદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. આ ઘટના જોઈ કે સાંભળીને આસપાસના લોકોને શાહિદ કપૂર અને અમૃતા રાવ અભિનીત ‘વિવાહ’ ફિલ્મની યાદ આવી ગઈ. વાત એ છે કે, એક વધૂ લગ્નના દિવસે જ અકસ્માતનો શિકાર બની. આ અકસ્માતમાં તેની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યારે આ વાત વરપક્ષને ખબર પડી તો વરરાજાએ લગ્ન રદ કરવાને બદલે તે જ શુભ મુહૂર્તમાં હોસ્પિટલમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. વધૂપક્ષે પણ આ વાતને મંજૂરી આપી અને ઈમરજન્સી વોર્ડમાં જ બંનેએ લગ્ન કરી લીધા.
પીટીઆઈના અહેવાલ મુજબ આ અનોખા લગ્ન કોચ્ચિના લેકશોર હોસ્પિટલમાં થયા હતા. અલપ્પુઝાના કોમ્માડીની રહેવાસી અવનીના લગ્ન ધુંબોલીના શેરોન સાથે શુક્રવારે નક્કી થયેલા. પરંતુ સાંજે બ્રાઈડલ મેકઅપ કરાવવા જતી વખતે રસ્તામાં જ અવનીનો અકસ્માત થઈ ગયો. તેને તરત જ કોટ્ટાયમ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી, પરંતુ કરોડરજ્જુમાં વધુ ઈજા હોવાથી વિશેષ સારવાર માટે એર્નાકુલમની લેકશોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ દરમિયાન શેરોન અને તેનો પરિવાર પણ હોસ્પિટલ પહોંચી ગયો.
લગ્નનું મુહૂર્ત બપોરે ૧૨.૧૫ થી ૧૨.૩૦ વચ્ચે હતું. બંને પરિવારોએ પરે સહમતીથી તે જ મુહૂર્તમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બંને પરિવારોએ ડોક્ટર્સ પાસે પરવાનગી માંગી અને મંજૂરી મળી ગઈ. હોસ્પિટલ સ્ટાફે પણ પરિવારોની મદદ કરતાં તુરંત જ લગ્ન માટે જગ્યા આપી અને સજાવટ શરૂ કરી દીધી. જોકે વધૂને વધુ તકલીફ ન થાય એ માટે વરરાજા પોતે થાળી લઈને ઈમરજન્સી વોર્ડમાં આવ્યા અને તમામ વિધિઓ પૂર્ણ થઈ.
વધૂની હાલત અંગે અપડેટ આપતાં ન્યુરો સર્જન વિભાગના વડા ડૉ. સુધીશ કરુણાકરને કહ્યું કે અવનીની કરોડરજ્જુની સારવાર ચાલુ છે. ટૂંક સમયમાં તેમની સર્જરી કરવામાં આવશે. હોસ્પિટલમાં થયેલા આ લગ્નના સમાચાર સાંભળીને આસપાસના લોકોએ પણ પરિવાર સાથે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.






