કર્ણાટક: વિધાનસભાનો વિજય કોંગ્રેસને લોકસભામાં લાભ કરાવી શકે; ભાજપને નુકસાન થઇ શકે
દક્ષિણ ભારતની વાત આવે ત્યારે લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યોનો અને દેશનો આ ભાગનો અલગ જ મિજાજ અને અસર જોવા મળે છે. તેમાંય જ્યારે કર્ણાટક

દક્ષિણ ભારતની વાત આવે ત્યારે લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યોનો અને દેશનો આ ભાગનો અલગ જ મિજાજ અને અસર જોવા મળે છે. તેમાંય જ્યારે કર્ણાટક રાજ્યની વાત આવે ત્યારે તેમાં ઘણા સમીકરણો ભાગ ભજવતા હોય છે. ભાજપ અને કોંગ્રેસ આ રાજ્યમાં પોતાની સત્તા જમાવીને વધારે સીટો અંકે કરવા મથી રહ્યાં છે. ગત લોકસભામાં તો ભાજપને 25 બેઠકો મળી હતી પણ કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી હતી. આ વખતે રાજ્યની સ્થિતિ બદલાઇ છે. ગત વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થવાથી તેની રાજ્ય સરકાર છે. જાણકારોના મતે જો કોંગ્રેસને વિધાનસભામાં અવસર મળ્યો હોય તો લોકસભામાં પણ તેનો હાથ ઉપર રહે તેવી શક્યતા છે.
રાજકીય જાણકારોના મતે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પરિસ્થિતિનો ફાયદો થયો હતો. તે સમયે રાજ્યમાં ભાજપની જ સરકાર હતી અને તેને કારણે ભાજપ તરફી વાતાવરણ ઊભું થયેલું હતું. આ વખતે કોંગ્રેસને એ પ્રમાણે લાભ થાય તો ભાજપની ઘણી બેઠકો કપાય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ જો કોંગ્રેસને લાભ ન થાય તો ભાજપ અને JDS ભેગા થઇને તમામ બેઠકો અંકે કરી લે તેવું પણ બની શકે તેમ છે.
2018 વિધાનસભા અને 2019માં લોકસભામાં પછડાટ ખાનાર કોંગ્રેસ દ્વારા 2023 વિધાનસભામાં કમબેક કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે 2023માં 60 ટકા કરતા વધારે મત અંકે કર્યા હતા. આ ચૂંટણીનું પરિણામ કોંગ્રેસની સરકાર બનવાનું આવ્યું. તેના કારણે ગત લોકસભામાં કોંગ્રેસના સાથી રહેલા JDS દ્વારા જોડાણ તોડી કાઢવામાં આવ્યું. તેણે ભાજપ સાથે જોડાણ કરીને NDA ગઠબંધનનું નવું સ્વરૂપ લીધું. કર્ણાટકની બદલાયેલી આ રાજકીય સ્થિતિ કેવા ફેરફાર લાવે છે તે જોવા જેવુ રહેશે. કર્ણાટકમાં જૂથવાદ પણ મોટાપાયે જોવા મળ્યો છે. 2013માં યેદીયુરપ્પાના કારણે ભાજપને ઘણું નુકસાન ભોગવવું પડ્યું હતું. તેવી જ રીતે હાલમાં પણ જૂથબાજી ચાલી જ રહી છે. તેના કારણે ભાજપને ફાયદો થાય તેમ દેખાય છે. આ ઉપરાંત મોદી ફેક્ટર પણ અસરકારક થાય તેવું લાગી રહ્યું છે.
વોટિંગ પેટર્ન અને પરિણામ બંનેના પૂનરાવર્તનની શક્યતા
રાજકીય વિશ્લેષકોના મતે અહીંયા છેલ્લા 15 વર્ષથી એક ચોક્કસ વોટિંગ અને પરિણામની પેટર્ન ચાલતી આવી છે જેમાં ખાસ ફેરફાર થાય તેમ લાગતું નથી. સૌથી પહેલી બાબત તો એ આવે છે કે, અહીંયા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વચ્ચે એકાદ વર્ષનું જ અંતર હોય છે. તેના કારણે વિધાનસભાની ચૂંટણીઓનું મતદાન અને પરિણામ ત્યારબાદ લોકસભાની ચૂંટણીને પણ અસર કરતું જ હોય છે.અહીંયા એક પેટર્ન એવી જોવા મળી છે કે, કોંગ્રેસનું લોકસભાની ચૂંટણીનું વોટ શેરિંગ તેના ગત વિધાનસભાના પરિણામના વોટ શેરિંગ કરતા વધારે જ હોય છે. ભાજપ માટે 2008 અને 2009માં પણ આવું જ રહ્યું હતું ત્યારબાદ ચૂંટણીઓમાં પણ વોટ શેરિંગ આવી રીતે જ થતું આવ્યું છે. તેના કારણે જ આ વખતે ભાજપનું પલડુ ભારે હોય તેમ લાગી રહ્યું છે.
રેવન્ના સેક્સકાંડ: ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડશે
કર્ણાટકમાં જાતીગત રાજકારણ ઉપરાંત ત્યાં મહિલા અને પુરૂષોનું રાજકારણ પણ અલગ સ્તરે કામ કરે છે. અહીંયા સ્થાનિકોમાં મહિલા અને પુરૂષો વચ્ચેનો તફાવત પણ ચૂંટણી ઉપર અસર પાડે છે. આ વખતે ભાજપ માટે અહીંયા જોખમ છે. ખાસ કરીને ઉત્તર કર્ણાટકની 14 બેઠકો જે ગત લોકસભામાં 100 ટકા ભાજપ પાસે આવી હતી તે આ વખતે મોટાભાગની ગુમાવવી પડે તેવી સ્થિતિ છે. જેડીએસના નેતા પ્રજવલ્લ રેવન્નાના કથિત સેક્સકાંડ બાદ મામલો મોટાપાયે ગરમાયો હતો. ખાસ કરીને મહિલાઓમાં અને મહિલા રાજકારણીઓ અને કાર્યકર્તાઓમાં આ મુદ્દે મોટાપાયે રોષ જોવા મળ્યો હતો. કર્ણાટકમાં પુરૂષો કરતા મહિલાઓ દ્વારા આ વખતે વધારે મતદાન કરવામાં આવ્યું છે. મહિલાઓએ વધારે મતદાન કર્યું છે ત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પ્રજવલ્લ રેવન્ના વિરૂદ્ધ જે જનાક્રોશ છે તે કદાચ વિપક્ષોને ફાયદો કરાવી જાય તેમ છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને જો યોગ્ય રીતે એન્કેશ કરવામાં આવ્યો હશે તો ઉત્તરી કર્ણાટકમાં જ્યાં તેનું ગત લોકસભામાં ખાતું પણ ખૂલ્યું નહોતું ત્યાં જેકપોટ લાગી શકે છે. ભાજપ ભલે મંગલસૂત્રનો મુદ્દો ઉઠાવીને પોતાના તરફી જુવાળ ઊભો કરવા મથે પણ જો કોંગ્રેસે યોગ્ય રીતે રેવન્નાના મુદ્દાને ઉઠાવ્યો હશે તો મહિલાઓનું મોટાપાયે સમર્થન મળવાની શક્યતા છે. જાણકારોના મતે રેવન્ના મુદ્દે ઉત્તરી કર્ણાટકમાં ભાજપને અડધી બેઠકો ગુમાવવી પડે તેવો ઘાટ છે.
નવું જોડાણ અને જૂનું ગણિત પરિણામ બદલી કાઢે
ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ જનતા દળ (સેક્યુલર)ના વડા એચ.ડી.કુમારસ્વામી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ લોકસભા ચૂંટણી દરમિયાન ગઠબંધન કરશે. તેમણે આ માટે ભાજપ સમર્થિત NDA ગઠબંધનમાં જોડાવાનું પસંદ કર્યું હતું. ભાજપ દ્વારા આ જોડાણ સાથે નવા સમીકરણ મુજબ ઉમેદવારો પસંદ કરાયા હતા. ભાજપ દ્વારા 28માંથી 25 જ્યારે જેડીએસ દ્વારા 3 બેઠકો ઉપર ઉમેદવાર ઊભા રખાયા હતા. આ સમીકરણને સમજીએ તો ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીએસ સાથે રહીને 130 બેઠકો અંકે કરે તેવું દેખાતું હતું. ત્યારબાદ પરિણામો સાવ અલગ આવ્યા. ભાજપ અને જેડીએસ અનુક્રમે 66 અને 19 બેઠકો ઉપર સમેટાઇ ગયા હતા. કોંગ્રેસના ફાળે 136 બેઠક જ્યારે તેના સાથી પક્ષને 1 બેઠક મળી હતી. આ વખતે આ નવા જોડાણને વધારે મત મળી પણ શકે અને કદાચ કોંગ્રેસ ફાવી જાય તેવું પણ બને. તેનું એક કારણ એવું પણ છે કે, 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ 2019ની લોકસભા ચૂંટણીમાં માત્ર 1-1 બેઠક જીતવામાં સફળ રહ્યાં હતા. આ સ્થિતિમાં વિચારીએ તો અત્યારે કોંગ્રેસનો હાથ ઉપર રહે તેમ લાગે છે. તેમ છતાં મતદારો પેટર્ન તોડીને પણ મત આપે તો નવાઇ નહીં.







