કર્ણાટકની કમાન હવે ડી.કે. શિવકુમારના હાથમાં, 3 જૂને લેશે મુખ્યમંત્રી પદના શપથ

કર્ણાટકના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યની સત્તાધારી કોંગ્રેસ સરકારમાં મોટો ફેરબદલ થયો છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. અત્યાર સુધી ડેપ્યુટી સીએમ તરીકે જવાબદારી સંભાળી રહેલા ડી.કે. શિવકુમાર આગામી ૩ જૂનના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
સિદ્ધારમૈયાએ આપ્યું રાજીનામું
કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી સત્તા પરિવર્તનને લઈને કોંગ્રેસ પક્ષની અંદર આંતરિક ચર્ચાઓ અને અટકળો ચાલી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે. ગુરુવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ શુક્રવારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને વર્તમાન મંત્રીમંડળને ભંગ કરી દીધું હતું. મંત્રીમંડળ ભંગ થતાંની સાથે જ હવે નવી સરકારની રચના માટેની કવાયત તેજ થઈ ગઈ છે.
લાંબા સમયથી ચાલતી ફોર્મ્યુલાનો અંત આવ્યો
વર્ષ ૨૦૨૩માં જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની, ત્યારથી જ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે જોરદાર ખેંચતાણ હતી. તે સમયે હાઈકમાન્ડે અઢી-અઢી વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી હોવાના અહેવાલો હતા. આખરે એ ફોર્મ્યુલા અંતર્ગત સિદ્ધારમૈયાએ સત્તા છોડવી પડી છે અને કોંગ્રેસના સંકટમોચક ગણાતા ડી.કે. શિવકુમારના હાથમાં રાજ્યની કમાન સોંપવામાં આવી છે.
હવે આખા દેશની નજર ૩ જૂને યોજાનારા શપથ ગ્રહણ સમારોહ પર ટકેલી છે, જેમાં ડી.કે. શિવકુમારની સાથે નવા મંત્રીમંડળના સભ્યો પણ શપથ લઈ શકે છે.

