'નવા મુખ્યમંત્રી માટે રસ્તો કરી રહ્યા છે', કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધારમૈયાનું સંબોધન

કર્ણાટકમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેનારા સિદ્ધારમૈયાએ ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને પદ છોડીને ડીકે શિવકુમાર માટે રસ્તો સાફ કરવા કહ્યું હતું, જેના પછી તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું છે. વર્ષ 2006માં કોંગ્રેસમાં સામેલ થયેલા સિદ્ધારમૈયાએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કર્ણાટકની રાજનીતિમાં સક્રિય રહેશે અને રાજ્યસભામાં જવાના પક્ષમાં નથી.
જોકે, વિદાય વખતે પણ સિદ્ધારમૈયાના તેવર યથાવત જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કર્ણાટકની રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવતા રહેશે. આ સાથે જ તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી આપવામાં આવેલી રાજ્યસભા સીટની ઓફરને પણ ફગાવી દીધી છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે લાંબા સમયથી રાજકીય હરીફાઈ ચાલી રહી છે, તેવામાં આ રાજીનામાને કર્ણાટક કોંગ્રેસમાં સત્તા સંતુલનના એક મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
રાજીનામું આપ્યા બાદ તરત જ પત્રકાર પરિષદને સંબોધતા સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ નવા મુખ્યમંત્રી માટે રસ્તો કરી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં તેમને કોઈ રસ નથી. તેમણે જણાવ્યું કે, “જ્યારે હાઈકમાન્ડ મારી પાસે રાજીનામું માંગે છે, ત્યારે હું રાજીનામું આપી દઉં છું. બે દિવસ પહેલા હાઈકમાન્ડે મને પદ છોડવા માટે કહ્યું હતું, તેથી મેં રાજીનામું આપી દીધું છે.”
પદ છોડ્યા બાદ સિદ્ધારમૈયાએ સાફ કર્યું કે તેમણે રાજ્યસભામાં જવાના પ્રસ્તાવને નકારી દીધો છે. તેમણે કહ્યું કે, “હું કર્ણાટકની રાજનીતિમાં સક્રિય રહીશ. રાષ્ટ્રીય રાજનીતિમાં મને કોઈ રસ નથી.” કોંગ્રેસની અંદર કોઈ પણ પ્રકારના મતભેદ કે કડવાશની અટકળોને નકારતા સિદ્ધારમૈયાએ કહ્યું કે કર્ણાટક કોંગ્રેસ એક પરિવારની જેમ એકજૂથ રહેશે. તેમણે ઉમેર્યું કે, “હું હંમેશાં માનતો આવ્યો છું કે આપણે એક પરિવારની જેમ સાથે રહેવું જોઈએ. મારા કાર્યકાળ દરમિયાન મેં દરેક સાથે સમાન વ્યવહાર થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.” સિદ્ધારમૈયાના આ નિવેદનોને સત્તા પરિવર્તન વચ્ચે પાર્ટીમાં એકતા જાળવી રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે.
સિદ્ધારમૈયાએ કહ્યું કે, "અમે રાજ્યના લોકોને આપેલા વચનો પૂરા કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે. અમે અમારું વચન તોડ્યું નથી. આ એક એવી બાબત છે જેનાથી મને અને અમારી પાર્ટીને સંતોષ મળ્યો છે. તેમણે (વિપક્ષે) મારા વિશે ખોટી માહિતી ફેલાવી છે. વડાપ્રધાન મોદી સહિતના લોકોએ મારી વિરુદ્ધ ખોટો પ્રચાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે વિકાસ કાર્યો માટે કોઈ પૈસા નહીં બચે અને સરકારી તિજોરી ખાલી થઈ જશે. પરંતુ ગેરંટી યોજનાઓ લાગુ કર્યા પછી આપણે આવકના મામલામાં આખા દેશમાં નંબર 1 પર છીએ. જીએસટી (GST) કલેક્શનમાં અમે બીજા ક્રમે છીએ. મહારાષ્ટ્ર નંબર 1 પર છે અને કર્ણાટક બીજા નંબર પર છે..."
રાજીનામું આપતા પહેલાં તેમણે બેંગલુરુમાં પોતાના મંત્રીમંડળ સાથે એક છેલ્લી બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન સિદ્ધારમૈયા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમણે પોતાના સાથી મંત્રીઓ સમક્ષ દિલ ખોલીને પોતાના મનની વાત રજૂ કરી હતી.
છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાવુક થયા સિદ્ધારમૈયા
આ છેલ્લી કેબિનેટ બેઠકમાં સિદ્ધારમૈયાએ પોતાના સહયોગીઓને સંબોધતાં કહ્યું કે, 'છેલ્લા 20 વર્ષોમાં હું તમને બધાને વઢ્યો છું અને ગુસ્સે પણ થયો છું. પરંતુ આ બધું મેં માત્ર પાર્ટી અને સરકારના હિત માટે જ કર્યું હતું, તેમાં મારો કોઈ અંગત સ્વાર્થ કે અદાવત નહોતી. તેથી આ વાતોને દિલ પર ન લેતાં અને ભૂલી જજો. આ તમામ વર્ષોમાં તમે મને જે સાથ-સહકાર આપ્યો છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.'
હાઇકમાનના આદેશનું પાલન કર્યું: સિદ્ધારમૈયા
રાજીનામું આપ્યા બાદ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, 'મેં લોક ભવનમાં કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી મારું રાજીનામું સુપરત કરી દીધું છે. રાજ્યપાલ હાલમાં ત્યાં હાજર નથી અને તેઓ આજે રાત્રે પરત ફરવાના હોવાથી રાજીનામું તેમના કાર્યાલયમાં જમા કરાવી દેવામાં આવ્યું છે. મેં અગાઉ પણ ઘણી વખત કહ્યું હતું કે જ્યારે પણ હાઇકમાન મને પદ છોડવા માટે કહેશે, ત્યારે હું રાજીનામું આપી દઈશ. બરાબર એ જ રીતે, બે દિવસ પહેલાં હાઇકમાન તરફથી મને પદ છોડવાનો આદેશ મળ્યો હતો અને મેં તેમને આજે રાજીનામું આપી દેવાની ખાતરી આપી હતી, જે મુજબ મેં મારું રાજીનામું આપી દીધું છે.'

