'મને હવે કોઇ પૂછતું પણ નથી', મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસથી નારાજ
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કોંગ્રેસ સંગઠન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. કમલનાથે બેઠક

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કોંગ્રેસ સંગઠન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. કમલનાથે બેઠકમાં કહ્યું કે, મને કોઇ પૂછવામાં આવતું નથી. મીટિંગની જાણકારી પણ આપવામાં આવી નથી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી, વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘર, કમલનાથ, દિગ્વિજય સિંહ અને રાજ્ય પીએસીના અન્ય સભ્યોએ હાજરી આપી હતી. કમલનાથના આ નિવેદનનું પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજને પણ સમર્થન કર્યું છે.
દિગ્વિજય સિંહ પણ કમલનાથની વાત સાથે સહમત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ નેતા કમલનાથે વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું, 'આજકાલ એવું થઈ રહ્યું છે કે મને એપોઈન્ટમેન્ટ માટે પણ પૂછવામાં નથી આવતું. કોઈની પણ નિમણૂક કરવામાં આવે તો પણ વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા થવી જોઈએ. અમારી બેઠકોની કોઇ જાણકારી મળતી નથી. મને અખબારમાંથી જાણવા મળે છે કે કોંગ્રેસની બેઠક હતી. દિગ્વિજય સિંહે કહ્યું,'હું પણ કમલનાથની વાત સાથે સહમત છું. બેઠક એજન્ડા વગરના બોલાવવામાં આવે છે અને કેટલીકવાર એજન્ડા ખૂબ મોડેથી મળે છે.'
પાર્ટીનો બચાવ કરતા PCC પ્રવક્તા અબ્બાસ હાફીઝે કહ્યું, 'કમલનાથ અમારા રાજ્યના સૌથી વરિષ્ઠ નેતા છે. અમે બધા તેમની સાથે જોડાયેલા છીએ. કોંગ્રેસ પાર્ટીની પરંપરા છે કે વરિષ્ઠ નેતાઓનું હંમેશા સન્માન કરવામાં આવે છે. જો કમલનાથે નારાજગી વ્યક્ત કરી છે તો અમે બધા એક મંચ પર છીએ અને પાર્ટી રાજ્યના લોકો માટે સાથે મળીને કામ કરશે.પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહ પાર્ટીના મુખ્ય અંગ છે અને PCC ચીફ જીતુ પટવારીની પણ સિસ્ટમમાં જરૂર છે.'
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: શરદ-અજિત પવાર ફરી હાથ મિલાવશે, સુપ્રિયાને કેન્દ્રમાં મંત્રી બનાવાય તેવી અટકળો
ભાજપનો કટાક્ષ
મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ કહ્યું કે, દરેકના અભિપ્રાયના આધારે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.તે અલગથી કમલનાથ સાથે વાત કરશે. ભાજપે પણ કમલનાથની નારાજગી પર કટાક્ષ કર્યો છે. રાજ્ય બીજેપી મીડિયા સેલના વડા આશિષ અગ્રવાલે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું,'જ્યારથી જીતુ પટવારીએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળી છે ત્યારથી તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય કમલનાથ અને દિગ્વિજય સિંહના જૂથોને નુકસાન પહોંચાડવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના કાર્યકરો પાર્ટી છોડી રહ્યા છે.








