મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: શરદ-અજિત પવાર ફરી હાથ મિલાવશે, સુપ્રિયાને કેન્દ્રમાં મંત્રી બનાવાય તેવી અટકળો
શરદ પવાર અને અજિત પવાર ફરી હાથ મિલાવી લેશે અને શરદ પવારની NCPમાંથી ચૂંટાયેલા આઠ સાંસદો NDAમાં સામેલ થશે તેવી અટકળોથી

શરદ પવાર અને અજિત પવાર ફરી હાથ મિલાવી લેશે અને શરદ પવારની NCPમાંથી ચૂંટાયેલા આઠ સાંસદો NDAમાં સામેલ થશે તેવી અટકળોથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. શરદ પવાર તેમના પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તે માટે લોબિંગ કરી રહ્યાં છે.
શરદ પવાર NDAમાં જોડાય તેવી શક્યતા
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં શરદ પવાર જૂથને ફતેહ મળી હતી પરંતુ વિધાનસભામાં તેમનો રકાસ થયો હતો. વિધાનસભામાં શરદ પવારની NCPને માત્ર 10 જ બેઠક મળતાં પક્ષના રાજકીય ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. દાવા અનુસાર વિધાનસભા પરિમાણો બાદ શરદ પવારની NCPના સાંસદો અને ધારાસભ્યોએ પવારને અજિત પવાર સાથે હાથ મિલાવી લેવા અને NDAમાં જોડાઇ જવા માટે દબાણ વધાર્યું છે.
સાંસદો-ધારાસભ્યોએ શરદ પવાર પર વધાર્યું દબાણ
સાંસદો અને ધારાસભ્યોએ એ મુદ્દે પણ શરદ પવાર પર દબાણ વધારી રહ્યા છે કે અજિત પવારની NCPને જ ચૂંટણી પંચ અસલી NCP તરીકે માન્ય રાખી ચૂક્યું છે અને તેને ઘડિયાલનું મૂળ પ્રતીક ફાળવી ચૂક્યું છે. તે પછી વિધાનસભામાં પણ અજિત પવાર જૂથને 41 બેઠક મળી છે. આ સંજોગોમાં શરદ પવારની અલગ NCPનાં અસ્તિત્વ સામે સંકટ સર્જાયું છે. મહત્ત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલાં જ અજિત પવારનાં માતાએ શરદ પવાર તથા અજિત પવાર ફરી એક થઇ જાય તેવી ઇચ્છા પ્રગટ કરી હતી. તે વખતે પ્રફુલ્લ પટેલ સહિતના નેતાઓએ આ ઇચ્છાનો પડઘો પાડીને એમ કહ્યું હતું કે શરદ પવાર અમારા માટે ઈશ્વર સમાન છે. એ પછી થોડા દિવસો પહેલાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મુખપત્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરવામાં આવી હતી ત્યારે સુપ્રિયા સુલેએ પણ તેને અનુમોદન આપ્યું હતું. અગાઉ અજિત પવારે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે 2019માં શરદ પવારે ભાજપ સાથે જોડાવાની તમામ તૈયારી કરી લીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેમણે ફેરવી તોળ્યું હતું.
આ પણ વાંચો: બદલાશે કોંગ્રેસનું સરનામું ! હવે અકબર રોડ નહીં પણ આ વિસ્તારમાં હશે પાર્ટીનું મુખ્યાલય
ભાજપને ફાવતુ મળશે: એકનાથ શિંદે અને નીતિશ કુમાર બંને કાબુમાં રહેશે
રાજકીય ચર્ચાઓ અનુસાર શરદ પવાર અને અજિત પવાર બંને હાથ મિલાવી લે અને શરદ પવારની NCP પણ મહાયુતિમાં સામેલ થઇ જાય તેવા પ્રયાસો ભાજપને પણ મંજૂર છે. વાસ્તવમાં ભાજપ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે પરનું અવલંબન ઘટાડવા માગે છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે તે નીતિશ કુમાર અંકુશમાં રહે તેમ ઇચ્છે છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના વખતે એકનાથ શિંદેએ જે પ્રકારે ત્રાગાં કર્યાં હતાં તેનાથી ભાજપના નેતાઓ નાખુશ છે અને તેઓ શિંદેને વધુ કદ મુજબ વેતરવા માગે છે.








