મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જયપુર, નાગપુર, ગોવા...અનેક એરપોર્ટને બોમ્બથી ઉડાડવાની મળી ધમકી

જયપુર, નાગપુર, ગોવા સહિત દેશના અનેક એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. આ તમામ ઈમેલ સ

જયપુર, નાગપુર, ગોવા...અનેક એરપોર્ટને બોમ્બથી ઉડાડવાની મળી ધમકી

જયપુર, નાગપુર, ગોવા સહિત દેશના અનેક એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. આ તમામ ઈમેલ સોમવારે મળ્યા હતા.

નાગપુર એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન અનુસાર, આ ઈમેલ એરપોર્ટ ડાયરેક્ટર આબિદ રુઈના મેઈલ આઈડી પર મળ્યો હતો. આ અંગે એરપોર્ટના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પ્રશાસને નાગપુરના સોનેગાંવ પોલીસ સ્ટેશનને ધમકીભર્યા ઈમેલની ફરિયાદ કરી છે. એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

નાગપુર એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. પોલીસને શંકા છે કે આ બધા નકલી ઈમેલ છે અને અધિકારીઓએ કહ્યું કે ઈમેલ મોકલનારને શોધવાના પ્રયાસો ચાલુ છે. પોલીસને શંકા છે કે ગભરાટ ફેલાવવાના ઈરાદાથી આ ઈમેલ મોકલવામાં આવ્યા છે. બે દિવસ પહેલા પણ કોલકાતા સહિત દેશના ઘણા એરપોર્ટ પર આવા જ ઈમેલ મળ્યા હતા, જે તપાસ બાદ નકલી નીકળ્યા હતા.

ગોવાના ડાબોલિમ એરપોર્ટને તેમના સત્તાવાર ઈમેલ પર બોમ્બની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ બોમ્બ સ્કવોડે એરપોર્ટ પર સર્ચ કર્યું હતું. જો કે, આ તપાસમાં કંઈપણ મળ્યું ન હતું. એરપોર્ટ ડાયરેક્ટર એસવીટી ધનમજય રાવે કહ્યું, 'અમે હવે વધારાની સાવચેતી રાખી રહ્યા છીએ. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, પરંતુ ફ્લાઈટ ઓપરેશનને કોઈ અસર થઈ નથી.’

રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ આજે સવારે ઈમેલ મળ્યો હતો અને સર્ચ ઓપરેશન બાદ હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. એક અધિકારીએ કહ્યું, 'અમે વિવિધ રાજ્યોમાં ધમકીભર્યા ઈમેલ મોકલવામાં સામેલ આરોપીઓને શોધવા માટે સહયોગ કરી રહ્યા છીએ. પોલીસની ટેકનિકલ સેલ પણ આ મામલે સક્રિયપણે તપાસ કરી રહી છે.’

આ સમાચાર શેર કરો