મોદી-ટ્રમ્પના કોલમાં મસ્કની હાજરી મહત્ત્વની કે જોખમી? દેશને આ વાત જણાવવામાં કેમ નહોતી આવી?
વધુ એક વાર એવું બન્યું છે કે દેશને લગતી કોઈ મહત્વની બાબત આપણને વડાપ્રધાન કે દેશના જવાબદાર

વધુ એક વાર એવું બન્યું છે કે દેશને લગતી કોઈ મહત્વની બાબત આપણને વડાપ્રધાન કે દેશના જવાબદાર મંત્રાલય તરફથી નહિ, પણ વોશિંગ્ટનથી જાણવા મળી હોય. 24 માર્ચે મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાત-ચીત થઈ હતી જેમાં ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા થઈ હતી. હવે 'ન્યૂયોર્ક પોસ્ટ'ના એક અહેવાલમાં બે અમેરિકન સૂત્રોએ ધડાકો કર્યો છે કે એ કોલમાં ઈલોન મસ્ક પણ સામેલ હતા.
ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે બે રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની વાત-ચીતમાં એક બિઝનેસમેન કેમ હાજર હતા અને જો કોઈ કારણોસર એમની હાજરી જરૂરી હતી તો એ વાત દેશને જણાવવામાં કેમ નહોતી આવી? અમેરિકામાં પણ એ જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે વ્હાઈટ હાઉસ સામાન્ય રીતે બે રાષ્ટ્રના વડાની વાત-ચીતમાં 'પ્રાઈવેટ સિટિઝન્સ'ને સામેલ કરતું નથી કારણ કે એની સાથે રાષ્ટ્રીય સુરક્ષા જેવી મહત્ત્વની બાબતો જોડાયેલી હોય છે.
યુદ્ધ દરમિયાન ટ્રમ્પે અલગ અલગ દેશના નેતાઓ સાથે વાત કરી છે, પણ એકેય કોલમાં મસ્કને લાઈનમાં રાખ્યાના અહેવાલ આવ્યા નથી તો આવું ભારત અને નરેન્દ્ર મોદી સાથે કેમ બન્યું? સર્વવિદિત છે કે મસ્ક પોતાના હાઈસ્પીડ ઈન્ટરનેટ સ્ટારલિંકને ભારત લાવવા ઈચ્છે છે. શું આ કોલમાં તેમની હાજરી એ સબંધિત કોઈ બિઝનેસ ડિલ અંગે હોઈ શકે છે? આ બધાં સવાલોના જવાબ સમય સાથે જ મળી શકે છે, કારણ કે ભારતમાં સામાન્ય રીતે આવા સવાલોના જવાબ આપવાનો રિવાજ નથી.






