Indian Railways: વેઈટિંગ લિસ્ટથી પરેશાન છો? મેડિકલ ઈમરજન્સી કે લગ્ન પ્રસંગે આ રીતે કરાવો રેલવે ટિકિટ કન્ફર્મ

Indian Railways: દેશમાં રેલવે મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે નિયમિત ટ્રેનોમાં કન્ફર્મ સીટ મળવી મુશ્કેલ બની ગઈ છે. જ્યારે કન્ફર્મ સીટ નથી મળતી, ત્યારે મુસાફરો વેઇટિંગ ટિકિટ બુક કરાવે છે. જો વેઈટિંગ લિસ્ટ લાંબું હોય તો ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ રેલવેના HO (Headquarter) ક્વોટા દ્વારા આ શક્ય બની શકે છે. આને 'હાઈ ઓફિશિયલ ક્વોટા' અથવા 'ઈમરજન્સી ક્વોટા' પણ કહેવામાં આવે છે.
HO ક્વોટા શું છે?
આ ક્વોટા મુખ્યત્વે VIP વ્યક્તિઓ, મોટા રાજનેતાઓ, સરકારી અધિકારીઓ અને મેડિકલ ઈમરજન્સી માટે રાખવામાં આવે છે. સામાન્ય નાગરિકો પણ મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં આનો લાભ લઈ શકે છે.
અરજી કરવાની પ્રક્રિયા
ટ્રેનનું ચાર્ટ બનવાના 10-12 કલાક પહેલાં અરજી કરવી પડે છે.
આ અરજી ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ઓફિસ અથવા ચીફ કોમર્શિયલ મેનેજર (CCM) ઓફિસમાં ટિકિટની નકલ સાથે જમા કરાવવાની હોય છે.
જો મેડિકલ ઈમરજન્સી હોય, તો હોસ્પિટલના રિપોર્ટ્સ અને સારવારના કાગળો જોડવા અનિવાર્ય છે.
રાજકીય કે સરકારી મદદ
HO ક્વોટા માટે તમે તમારા વિસ્તારના સાંસદ (MP), ધારાસભ્ય (MLA) અથવા ક્લાસ-1 સરકારી અધિકારીનો સંપર્ક કરી શકો છો. જો તેઓ તેમના લેટરહેડ પર ભલામણ પત્ર લખી આપે, તો તેને ટિકિટની વિગતો સાથે રેલવે ઓફિસમાં જમા કરાવી શકાય છે. મેડિકલ સિવાય પરીક્ષા, લગ્ન કે મૃત્યુ જેવા સંજોગોમાં પણ આ ક્વોટાનો ઉપયોગ થઈ શકે છે.
નોંધનીય છે કે રેલવે દરેક ટ્રેનમાં કેટલીક સીટો અનામત રાખે છે. જો આ ક્વોટા હેઠળ કોઈ અરજી ન આવે, તો તે સીટો સામાન્ય વેઈટિંગ લિસ્ટવાળા મુસાફરોને ફાળવવામાં આવે છે.

