Bharat Kapoor Passed Away: બોલિવૂડના પીઢ અભિનેતા ભરત કપૂરનું 80 વર્ષની વયે નિધન, ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું

Bharat Kapoor Passed Away: હિન્દી ફિલ્મોના અનુભવી તેમજ પ્રતિભાશાળી કલાકાર ભરત કપૂરનું આજે 80 વર્ષની જૈફ વયે નિધન થઈ ગયુંય તેઓના નિધનના ખબરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તેમજ તેઓના ચાહક વર્ગમાં શોક તેમજ દુખની લાગણી જન્માવી છે. જો કે, તેઓના નિધનનું અત્યાર સુધી કોઈ સત્તાવાર કારણ સામે નથી આવ્યું, પરંતુ મળતા રિપોર્ટ અનુસાર તેમની તબિયત નાદુરસ્ત હતી. પરિવાર તરફથી હજી વિગતવાર જાણકારી અપાઈ નથી.
બોલિવૂડના જાણીતા અભિનેતા ભરત કપૂર હિન્દી ફિલ્મોનો એક જાણીતો ચહેરો રહ્યા હતા. જેમણે 1970, 80 અને 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહીને અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. પીઢ અભિનેતાના પરિવારમાં તેમની પત્ની લોપા કપૂર અને તેમને બે પુત્રો (સાગર અને રાહુલ) અને એક પુત્રી (કવિતા) છે. તેમણે પોતાની કારકિર્દીમાં મોટાભાગે સહાયક પાત્રો, ખલનાયક અને પ્રભાવશાળી ભૂમિકાઓ જેવી કે પોલીસ અધિકારી, વકીલ અથવા કડક વ્યક્તિત્વ ધરાવતા પાત્રો ભજવ્યા હતા, જે દર્શકોના દિલમાં વસી ગયા હતા.
ભરત કપૂરની ફિલ્મોની યાત્રા
તેમની મુખ્ય ફિલ્મોમાં નૂરી (1979), રામ બલરામ (1980), લવ સ્ટોરી (1981), બજાર (1982), ગુલામી (1985), આખરી રાસ્તા (1986), સત્યમેવ જયતે (1987), સ્વર્ગ (1990), ખુદા ગવાહ (1992) અને રંગ (1993) સામેલ છે. આ ફિલ્મોમાં તેમના અભિનયે ફિલ્મી સ્ટોરીને મજબૂતી આપી અને તેમને એક ભરોસાપાત્ર ચરિત્ર અભિનેતા તરીકે સ્થાપિત કર્યા હતા.
આ ઉપરાંત, તેમણે બરસાત (1995), સાજન ચલે સસુરાલ (1996) અને બાદમાં મીનાક્ષી: અ ટેલ ઑફ થ્રી સિટીઝ (2004) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ બાબત દર્શાવે છે કે તેમની કારકિર્દી લાંબી અને વિવિધતાથી ભરેલી રહી હતી. બદલાતા સમયની સાથે પોતાની જાતને ઢાળવાની તેમની ક્ષમતાએ તેમને ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકાવી રાખ્યા હતા.
ભરત કપૂરે પોતાના કરિયર દરમ્યાન ઘણા મોટા ગજાના કલાકારો સાથે કામ કર્યું હતું. દરેક ફિલ્મમાં પોતાની ભૂમિકાને સંપૂર્ણ ઈમાનદારીથી પૂર્ણ કરી હતી. ભલે પછી ફિલ્મમાં ખૂબ નાનો રોલ હોય પરંતુ તેઓના અભિનયથી દર્શકોના મનમાં ઉંડી છાપ છોડી જતા. આ કારણથી તેઓ બોલિવૂડની ઈન્ડસ્ટ્રીમાં એક મજબૂત તેમજ વિશ્વનીય અભિનેતા તરીકે મનાતા હતા.
ભરત કપૂરના નિધનના ખબર સામે આવ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ઘણા કલાકાર અને ચાહકોએ સોશિયલ મીડિયા પર તેઓને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. બધા તેઓના યોગદારને યાદ કરી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ભરત કપૂરના અવસાનથી હિન્દી સિનેમા માટે એક મોટી કદી ન પુરાય તેવી ખોટ છે. તેઓએ પોતાના અભિનયની એવી છાપ છોડી ગયા છે જેથી તેઓને હંમેશા યાદ કરવામાં આવશે. તેઓનું કામ આગામી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
અંતિમ સંસ્કાર
બોલિવૂડના દિગ્ગજ અને પીઢ અભિનેતા ભરત કપૂરના અવસાન બાદ આજે 27 એપ્રિલના સાંજના સમયે મુંબઈમાં આવેલા સાયણ પાસે આવેલા સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. તેઓની શ્રદ્ધાંજલી સભા 30 એપ્રિલે સાંજે 5થી સાંજે 7 વાગ્યે નોર્થ બોમ્બે એસોસિએશન, ભાઉ દાજી માર્ગ, સાયણ હોસ્પિટલ પાસે રાખવામાં આવી છે.

