મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતીય બંધારણ દિવસ: જાણો, શું છે ઈતિહાસ અને શા માટે કરવામાં આવે છે ઉજવણી

26 નવેમ્બરને દેશભરમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને રાષ્ટ્રીય બંધાર

ભારતીય બંધારણ દિવસ: જાણો, શું છે ઈતિહાસ અને શા માટે કરવામાં આવે છે ઉજવણી

26 નવેમ્બરને દેશભરમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને રાષ્ટ્રીય બંધારણ દિવસ અને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું. તેથી, દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે.

ડૉ. બી.આર. આંબેડકરે જાહેર કર્યો હતો 'બંધારણ દિવસ'

અગાઉ, આ દિવસ 'કાયદા દિવસ' તરીકે ઉજવવામાં આવતો હતો. જોકે, 2015માં, ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ડૉ. બી.આર. આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી માટે 26 નવેમ્બરને 'બંધારણ દિવસ' તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો હતો.

બંધારણ દિવસ મુખ્યત્વે ડૉ. બી.આર. આંબેડકરના સન્માન માટે અને બંધારણીય મૂલ્યો, અધિકારો અને ફરજો વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. ડૉ. આંબેડકરને "ભારતીય બંધારણના પિતા" તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમણે મુસદ્દા સમિતિનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. આપણા બંધારણે ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કર્યું હતું. તે દેશના તમામ નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ખાતરી આપે છે.

નિયમોના સમૂહની જરૂરીયાત અનુભવાતા બંધારણની કરાઈ રચના

ભારત સરકાર અધિનિયમ, 1935 પછી, દેશને એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવા માટે નિયમોના સમૂહની જરૂરિયાત અનુભવાઈ. ત્યારબાદ, ડિસેમ્બર 1946માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષ તરીકે બંધારણ સભાની રચના કરવામાં આવી. આ સભાની પહેલી વાર 9 ડિસેમ્બર, 1946ના રોજ બેઠક મળી હતી અને તેમાં ડૉ. બી.આર. આંબેડકર, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ સહિત 389 અગ્રણી નેતાઓનો સમાવેશ થતો હતો. બંધારણનો મુસદ્દો ડૉ. આંબેડકરની આગેવાની હેઠળની સમિતિને સોંપવામાં આવ્યો હતો. આ મુસદ્દો 1948માં આ મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. લગભગ બે વર્ષ અને અગિયાર સત્રોમાં ચર્ચા-વિચારણા પછી, 26 નવેમ્બર, 1949ના રોજ કેટલાક સુધારાઓ સાથે આ મુસદ્દો અપનાવવામાં આવ્યો હતો.

ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ 

ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. તેના ઘણા ભાગો યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના બંધારણોમાંથી લેવામાં આવ્યા છે. તે નાગરિકોના મૂળભૂત અધિકારો અને ફરજો, સરકારની ભૂમિકા અને વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓની સત્તાઓનું વર્ણન કરે છે. બંધારણમાં વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રના કાર્યો અને દેશનું સંચાલન કરવામાં તેમની ભૂમિકાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

જાણો, બંધારણ અમલમાં મૂકાયું ત્યારે કેટલી કલમો હતી

ભારતીય બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું ત્યારે તેમાં 395 કલમો અને આઠ અનુસૂચિઓ હતી. પ્રસ્તાવના દેશને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરે છે, જે તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી આપે છે. યુવાનોમાં રાષ્ટ્રીય વિકાસ માટે બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ દિવસે "આપણું બંધારણ, આપણું સન્માન" જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે.

આ સમાચાર શેર કરો