Video: ભારતીય સેનાના જવાનોએ અખનૂર સરહદે ઉત્સાહભેર ઉજવી અદ્ભુત દિવાળી!

સોર્સ: gstv

અખનૂર સરહદે ભારતીય સેનાના જવાનોએ ઉત્સાહભેર ઉજવી અદ્ભુત દિવાળી!

ઘરથી દૂર LoC પર દીવા પ્રજ્વલિત કરી જવાનોએ માંગી દેશની સુખ-શાંતિ!

જાહેરાત

દિવાળીના પાવન અવસરે પણ સેનાના જવાનો અવિરત આપી રહ્યા છે પહેરો!

જમ્મુ અને કાશ્મીરના સંવેદનશીલ અખનૂર સેક્ટરમાંથી લાઈન ઓફ કંટ્રોલ પરથી દેશભક્તિ અને ઉત્સવના પ્રેરણાદાયી દ્રશ્યો સામે આવ્યા છે. દેશભરમાં જ્યારે દિવાળીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણા દેશની સુરક્ષા માટે સરહદો પર અડગ ઊભેલા ભારતીય સેનાના જવાનોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી છે. સરહદી ચોકીઓ પર જવાનોએ દીવા પ્રજ્વલિત કર્યા હતા અને વિશેષ પ્રાર્થના તથા પૂજા-અર્ચનાનું આયોજન કર્યું હતું. પરિવાર અને પોતાના સ્વજનોથી હજારો કિલોમીટર દૂર સરહદની રક્ષા કરતા આ વીર જવાનોએ LoC પર જ દીવાઓ સજાવીને પ્રકાશના આ પર્વને સાર્થક કર્યું હતું. સૈનિકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશની સુરક્ષા માટે પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત કરી હતી. સરહદના આ રક્ષકોના ચહેરા પરનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાબિત કરતો હતો કે તેમના માટે દેશની સુરક્ષા જ સૌથી પહેલો ધર્મ છે.

જવાનોએ આ પ્રસંગે વાત કરતા જણાવ્યું કે દેશવાસીઓ પોતાના પરિવાર સાથે સુરક્ષિત રીતે દિવાળી ઉજવી શકે તે માટે સરહદ પર સતત જાગૃત રહેવું એ તેમનું સૌભાગ્ય છે. ભલે તેઓ પોતાના પરિવાર સાથે નથી, પરંતુ સાથે તૈનાત સાથી સૈનિકો જ તેમનો પરિવાર છે અને આ સેનાની છાવણી જ તેમનું ઘર છે. આ સરહદી વિસ્તારોમાં ગુંજતા ભારત માતા કી જય ના નારાઓએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું. ભારતીય સેનાના આ સાહસિક જવાનો દ્વારા સરહદ પર પ્રજ્વલિત થયેલા દીવા માત્ર દીવા નથી, પરંતુ તે દેશની અખંડિતતા, શૌચ અને અતૂટ સમર્પણનું પ્રતીક છે. અખનૂર સેક્ટરની આ સરહદે થયેલી ઉજવણીએ સાબિત કરી દીધું છે કે જ્યાં સુધી દેશના આ વીર જવાનો સરહદ પર ખડેપગે છે, ત્યાં સુધી દેશના દરેક નાગરિકની દિવાળી સુરક્ષિત અને આનંદમય રહેશે. આ દ્રશ્યો દરેક દેશવાસીના હૃદયમાં ગર્વની લાગણી જગાવનારા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત