ભારતીય સેનાએ બે જવાનોની શહાદતનો લીધો બદલો, 5 આતંકીઓને ઠાર માર્યા
પીએમ મોદીના જમ્મુ કાશ્મીર પ્રવાસ પહેલા સેનાએ મોટી કાર્યવાહી કરતા બે જુદી જુદી અથડામણમ

પીએમ મોદીના જમ્મુ કાશ્મીર પ્રવાસ પહેલા સેનાએ મોટી કાર્યવાહી કરતા બે જુદી જુદી અથડામણમાં 5 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જણાવી દઈએ કે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારના ચક ટાપર ક્રિરીમાં ગોળીબાર શરૂ થયો હતો. એ પછીથી અથડામણ થઈ હતી. આ સિવાય એક અલગ એન્કાઉન્ટરમાં, સેનાના રાઇઝિંગ સ્ટાર કોર્પ્સ યુનિટના જવાનોએ કઠુઆમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ તેમની વચ્ચે અથડામણ શરૂ થઈ. સુરક્ષા દળોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને સવારે અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
આ પહેલા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છત્રુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે જવાન શહીદ થયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. સેનાએ કહ્યું કે ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષા દળોએ છત્રુ વિસ્તારના નૈદગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ પછી સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી.




