Video: ‘સરકાર તૈયાર છે, કોંગ્રેસમાં દમ છે?’ SIR અને EVM મુદ્દે વિશેષ સત્ર બોલાવવા સરકાર તૈયાર: ભાજપનો મોટો પડકાર

વિપક્ષ દ્વારા ચૂંટણી સુધારા અને અન્ય મુદ્દાઓ પર વડાપ્રધાન સામે ડિબેટની માગણી સામે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામ માધવે આક્રમક વલણ અપનાવ્યું છે. હૈદરાબાદ ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે લોકશાહીમાં રાજકીય પક્ષો વચ્ચે ખુલ્લી અને વ્યાપક ચર્ચા માટેનું સાચું મંચ માત્ર ભારતીય સંસદ છે, પરંતુ કોંગ્રેસ હંમેશા સંસદમાંથી ભાગી જવાનો રસ્તો અપનાવે છે.
રામ માધવે જણાવ્યું કે, "મતદાર યાદી (SIR), EVM સહિતના ચૂંટણી સંબંધિત તમામ મુદ્દાઓ પર સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવીને પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકારે આ અંગે વારંવાર સ્પષ્ટતા કરી છે. પરંતુ કોંગ્રેસ પક્ષ સંસદમાં ચર્ચા કરવાથી મોં છુપાવે છે અને ભાગી જાય છે."
‘તમારામાં હિંમત હોય તો સંસદમાં સામે આવો’
રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું કે, "આજે રાહુલ ગાંધી ભારતમાં નથી, તેઓ ફરી એકવાર દેશ છોડીને વિદેશ જતા રહ્યા છે. લોકશાહીમાં તમામ મુદ્દાઓની ચર્ચા માટે સંસદ સૌથી યોગ્ય મંચ છે, તો પછી રાહુલ ગાંધી સંસદમાં ચર્ચા કરવાથી કેમ ભાગી રહ્યા છે? શું તમારામાં સંસદના ફ્લોર પર શાસક પક્ષનો સામનો કરવાની હિંમત છે? જો તમે તૈયાર હોવ તો સરકાર અને સત્તાધારી પક્ષ ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે."








