મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી 2024: જો કોઇ ઉમેદવાર કરતા NOTAને વધારે મત મળે તો વિજેતા કોણ જાહેર થશે?

લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર

લોકસભા ચૂંટણી 2024: જો કોઇ ઉમેદવાર કરતા NOTAને વધારે મત મળે તો વિજેતા કોણ જાહેર થશે?

લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 102 બેઠક પર મતદાન થશે. રાજકીય પાર્ટીઓએ ચૂંટણીના મેદાનમાં પોત પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે. જો કોઇ મતદારને પોતાના વિસ્તારના ઉમેદવારમાંથી કોઇ પસંદ ના પડે તો મતદારો માટે ચૂંટણી પંચ NOTAનો વિકલ્પ આપે છે. ચૂંટણીમાં NOTAનો શું રોલ હોય છે અને જો સૌથી વધુ મત NOTAમાં પડ્યા તો શું થશે. આવો જાણીયે..

NOTAનો અર્થ છે None of the above એટલે કે ‘ઉપરમાંથી કોઇ નહીં’. EVM મશીનનો ઉપયોગ તો ઘણા પહેલાથી થઇ રહ્યો છે પરંતુ તેમાં NOTAનું બટન ગત દાયકામાં સામેલ થયું છે. પ્રથમ વખત 2013માં 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં NOTA રજૂ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 2013થી જ તમામ ચૂંટણીમાં મતદારોને NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો. આ બટન EVMમાં સૌથી અંતમાં હોય છે.

લોકતંત્રમાં NOTAનું શું છે મહત્ત્વ?

લોકતંત્રમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવું જરૂરી હોય છે. આ એક સજીવ લોકતંત્રનું પ્રતીક છે. જો મતદારને કોઇ ઉમેદવાર યોગ્ય ના લાગે તો? આ વાતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક એવું તંત્ર વિકસિત કર્યું જેનાથી આ નક્કી થઇ શકે કે કેટલા ટકા લોકોએ કોઇને મત આપવો યોગ્ય સમજ્યો નથી. ચૂંટણી પંચે તેને NOTA નામ આપ્યું.

શું થાય જો NOTAને સૌથી વધુ મત મળે તો?

NOTAના નિયમમાં સમય સમય પર બદલાવ થયા છે. શરૂઆતમાં NOTAને ગેરકાયદેસર મત માનવામાં આવતા હતા. જો NOTAને બાકીના તમામ ઉમેદવારો કરતા વધારે મત મળે તો બીજા સૌથી વધુ મત મેળવનારા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવતો હતો. 2018માં દેશમાં પ્રથમ વખત NOTAને પણ ઉમેદવારોની બરાબરનો દરજ્જો આપવામાં આવ્યો. ડિસેમ્બર, 2018માં હરિયાણાની પાંચ જિલ્લામાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં NOTAને સૌથી વધુ મત મળ્યા હતા. એવામાં તમામ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. તે બાદ ચૂંટણી પંચે ફરી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.

શું થાય જો ફરી યોજવામાં આવેલી ચૂંટણીમાં NOTA જીતી જાય?

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે વર્ષ 2018માં એક ઓર્ડરમાં NOTAને ‘કાલ્પનિક ચૂંટણી ઉમેદવાર’નો દરજ્જો આપ્યો છે. ઓર્ડર અનુસાર, જો કોઇ ઉમેદવારને NOTAની બરાબર મત મળે છે તો ચૂંટણી લડી રહેલા અસલ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે. જો NOTAને બાકી તમામ કરતા વધુ મત મળે તો ફરી ચૂંટણી યોજવામાં આવશે. જો ફરી ચૂંટણી યોજવામાં આવ્યા બાદ પણ કોઇ ઉમેદવાર NOTA કરતા વધુ મત નામ મેળવી શકે તો ત્રીજી વખત ચૂંટણી નહીં યોજાય. આવી સ્થિતિમાં NOTA બાદ સૌથી વધુ મત મેળવનારા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે. ઓર્ડર અનુસાર, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના આ નિયમ રાજ્યની ચૂંટણી સુધી સીમિત છે.

આ સમાચાર શેર કરો