ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ, બન્નેમાંથી કોણ જીતે તો ભારતને સૌથી વધુ ફાયદો થશે?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ઐતિહાસિક ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ ચૂંટણીમાં ઇતિહાસ

અમેરિકામાં રાષ્ટ્રપતિની ઐતિહાસિક ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ ચૂંટણીમાં ઇતિહાસનું ફરી એક વખત પુનરાવર્તન થશે કે નવો ઇતિહાસ રચાશે તે બુધવારે જાહેર થઇ જશે.
ડોનાલ્ડ ટ્રમ્પ જીતે તો ભારતને શું ફાયદો થશે?
અમેરિકામાં 47માં રાષ્ટ્રપતિ તરીકે જો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવશે તો ભારતને વિવિધ લાભ થાય તેમ છે. પ્રથમ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અંગત સ્તરે ગાઢ સંબંધો હોવાથી તેનો ફાયદો ભારતને મળે તેમ છે. ટ્રમ્પ જેમ અમેરિકા ફર્સ્ટમાં માને છે તેમ મોદી પણ ઇન્ડિયા ફર્સ્ટમાં માને છે. ટ્રમ્પ ચૂંટાઇ આવે તો ભારતના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રમાં યુએસનો સહકાર વધશે.
એ જ રીતે સપ્ટેમ્બરમાં ટ્રમ્પે ભારતની આયાત ટેરિફના મામલે ટીકા કરી હતી પણ મોદીને સારા મિત્ર ગણાવ્યા હોઇ આ મામલે પણ તેઓ સાથે કામ કરી શકે છે. ટ્રમ્પ ચીન સામે ભારતને અનુકૂળ આવે તેવી નીતિઓ ધરાવે છે જેથી ક્વાડ મજબૂત બને તો તેમાં પણ ભારતને ફાયદો થાય તેમ છે.
આ પણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ ક્યારે આવશે? જાણો સમય અને તારીખ
કમલા હેરિસ જીતે તો ભારતને શું ફાયદો થશે?
અમેરિકાના 47મા પ્રમુખ તરીકે જો ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ ચૂંટાઇ આવે તો ભારતના આઇટી સર્વિસ સેક્ટરને ફાયદો થાય તેમ છે. કમલા હેરિસ સ્કીલ્ડ વર્કર વીઝાને મામલે ઉદાર વલણ ધરાવતાં હોઇ H1B વીઝા મેળવવામાં ભારતને લાભ મળી શકે છે. કમલા હેરિસ મેડિકેર વિસ્તારણની નીતિ ધરાવતાં હોઇ ભારતના ફાર્મા સેક્ટરને પણ તેનો લાભ મળી શકે છે. ખાસ કરીને જેનેરિક દવાઓ માટે અમેરિકાની બજાર ખુલી શકે છે. બાઇડન તંત્રમાં ભારતની યુએસ સાથેનો દ્વિપક્ષી વેપાર 9.2 ટકાના કમ્પાઉન્ડ વાર્ષિક દરે વધ્યો હોઇ કમલા હેરિસ જીતે તો આ વૃદ્ધિ દર જળવાઇ રહેશે. હેરિસના જીતવાથી વેપાર, ઊર્જા અને ઇમિગ્રેશનના મામલે ભારતને લાભ થાય તેમ છે.







