IAS શિખર અગ્રવાલની મુશ્કેલી વધી: સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં, હાઈકોર્ટને વહેલી સુનાવણીના નિર્દેશ

એક ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવાના આરોપોનો સામનો કરી રહેલા વરિષ્ઠ IAS અધિકારી શિખર અગ્રવાલની મુશ્કેલીઓ વધી છે. કંપની પાસેથી બજારકિંમત કરતાં ઘણી ઓછી કિંમતે 64 વિલા ખરીદવાના મામલે રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે, શનિવારે સુપ્રીમ કોર્ટે પણ તેમને કોઈ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ જૉયમાલા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે શિખર અગ્રવાલની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતાં રાજસ્થાન હાઈકોર્ટને કેસની વહેલી સુનાવણી કરવા અને તેને બિનજરૂરી રીતે મુલતવી ન રાખવા સૂચના આપી હતી.
રાહત માટે હાઈકોર્ટમાં અરજી કરવાની છૂટ
સુપ્રીમ કોર્ટે તપાસ પર કોઈ રોક લગાવી નથી. જોકે, તાત્કાલિક રાહત જોઈતી હોય તો શિખર અગ્રવાલ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે તેમ જણાવ્યું હતું. બંને પક્ષોને પોતાના તમામ મુદ્દા હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. આ પહેલાં 19 નવેમ્બરે રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) પાસે જવાબ માગ્યો હતો, પરંતુ તપાસ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે આગામી સુનાવણી માટે 18 ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી. આ નિર્ણયને પડકારતાં શિખર અગ્રવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષે દલીલો કરી
સુનાવણી દરમિયાન શિખર અગ્રવાલ તરફથી દેશના જાણીતા વકીલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિખર અગ્રવાલની અત્યાર સુધીની કારકિર્દી નિષ્કલંક રહી છે. તેઓ વિદેશમાં હતા ત્યારે તેમનો પક્ષ સાંભળ્યા વિના જ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તેમણે ખરીદેલા તમામ વિલાની વિગતો સરકારી રિટર્નમાં અગાઉથી જાહેર કરી હતી. તેથી તેમની સામે કોઈ કડક કાર્યવાહી થવી જોઈએ નહીં. બીજી તરફ, રાજસ્થાન સરકાર વતી એટર્ની જનરલ આર. વેંકટરમણી, શિવ મંગલ શર્મા અને પદ્મેશ મિશ્રાએ દલીલોનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલો પહેલેથી જ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, તેથી સુપ્રીમ કોર્ટે અહીંથી કોઈ રાહત આપવી જોઈએ નહીં.
શું છે 64 વિલા ખરીદીનો સમગ્ર મામલો?
આ સમગ્ર કેસ જયપુરના જાણીતા અનંતા રિસોર્ટ સાથે જોડાયેલો છે. ACBએ 31 ઓક્ટોબરે આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ 18 નવેમ્બરે IAS અધિકારી શિખર અગ્રવાલ, અનંતા રિસોર્ટની કંપની ગોયલ ફેશન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મુકુંદ શરણ ગોયલ, મેનેજિંગ ડિરેક્ટર સંજય ગોયલ સહિત અન્ય લોકો સામે FIR નોંધવામાં આવી હતી. ACBની તપાસમાં સામે આવ્યું હતું કે શિખર અગ્રવાલ, તેમની IPS પત્ની પ્રશાખા માથુર, બંને પુત્રો અને સાસુ-સસરાના નામે અઢી વર્ષમાં એક જ કંપની પાસેથી 40 વિલા અને કોટેજ ખરીદવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓક્ટોબર મહિનામાં બંને પુત્રોના નામે વધુ 24 વિલા ખરીદવામાં આવ્યા હતા.
59 લાખના વિલા માત્ર 11 લાખમાં ખરીદ્યાનો આરોપ
આરોપ મુજબ, કંપનીના બ્રોશરમાં એક વિલાની કિંમત રૂ.59 લાખ દર્શાવવામાં આવી હતી, પરંતુ શિખર અગ્રવાલ અને તેમના પરિવારના સભ્યોએ આ વિલા માત્ર રૂ.11-11 લાખમાં ખરીદ્યા હતા. આ રીતે પરિવારના નામે ખરીદવામાં આવેલા વિલા અને કોટેજની કુલ સંખ્યા 64 થઈ હતી. ACBનો આરોપ છે કે શિખર અગ્રવાલે એક જ કંપની પાસેથી ખૂબ જ ઓછી કિંમતે વિલા ખરીદીને કંપનીને અનૈતિક રીતે ફાયદો પહોંચાડ્યો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે સૌની નજર રાજસ્થાન હાઈકોર્ટની આગામી સુનાવણી પર છે.












