Video: સિલ્ક્યારા ટનલ રેસ્ક્યૂની વર્ષગાંઠે ઉત્તરાખંડમાં મહાઅભિયાન; આપત્તિ વ્યવસ્થાપન દિવસે તમામ ૧૩ જિલ્લાઓમાં રાજ્યવ્યાપી મોકડ્રિલનું આયોજન કરાયું

ઉત્તરાખંડના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા સિલ્ક્યારા ટનલ બચાવ ઓપરેશનની સફળ વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન દિવસની ઉજવણી કરવામાં આવી.... આ ખાસ અવસરે રાજ્યના તમામ ૧૩ જિલ્લાઓમાં આશરે ૩૦૦ જેટલા સ્થળોએ અત્યાર સુધીની સૌથી મોટી રાજ્યવ્યાપી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કુદરતી આફતો સામે તંત્ર અને નાગરિકોની સજ્જતા ચકાસવા માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
૨૮ નવેમ્બરનો દિવસ ઉત્તરાખંડ માટે ઐતિહાસિક છે, કારણ કે આ જ દિવસે કોઈપણ જાનહાનિ વિના સિલ્ક્યારા ટનલ બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક સફળતાની યાદમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા દર વર્ષે ૨૮ નવેમ્બરને આપત્તિ વ્યવસ્થાપન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ૨૫ થી ૨૮ નવેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો અને કવાયતોનું આયોજન કરાયું છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે, ૨૫ નવેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યના 5 હજારથી વધુ સ્થળોએ મોકડ્રિલ અને જાગૃતિ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. શાળા અને કોલેજોમાં પણ નિબંધ લેખન, ચર્ચા અને ચિત્ર સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. દેહરાદૂન સ્થિત રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે યોજાયેલી કોઓર્ડિનેશન કોન્ફરન્સમાં આ કવાયતની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
રાજ્ય સ્તરથી લઈને તાલુકા સ્તર સુધી યોજાયેલી આ પ્રથમ અને વિશાળ મોકડ્રિલમાં ઉત્તરાખંડમાં સર્જાતી વિવિધ આપત્તિ સ્થિતિઓનું જીવંત અનુકરણ કરવામાં આવ્યું છે. જેમાં વાદળ ફાટવું, અચાનક પૂર, ભૂકંપ, ભૂસ્ખલન, હિમપ્રપાત, જંગલમાં આગ, ટનલ અને માર્ગ અકસ્માતો, ઇમારત ધરાશાયી થવી, ઔદ્યોગિક-રાસાયણિક દુર્ઘટનાઓ અને ડેમ સંબંધિત કટોકટી જેવી ગંભીર સ્થિતિઓનો સમાવેશ થાય છે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટી સંદેશાવ્યવહાર, વિભાગો વચ્ચેનું સંકલન, અસરગ્રસ્તોનું સ્થળાંતર અને તબીબી પ્રતિભાવ જેવી સમગ્ર પ્રણાલીનું પરીક્ષણ કરવાનો છે. આ અભિયાનમાં SDRF, NDRF, પોલીસ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની સાથે સ્થાનિક NGO, NCC, NSS અને સ્વયંસેવકો પણ સક્રિયપણે જોડાયા છે. કવાયત દરમિયાન રાહત શિબિરો ઊભા કરીને ત્યાં વીજળી, પીવાનું પાણી, ખોરાક, પ્રાથમિક સારવાર તેમજ સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટેની વિશેષ સુવિધાઓનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે, સાથે જ આધુનિક બચાવ સાધનોનું પ્રદર્શન પણ યોજાયું છે.
સિલ્ક્યારા ટનલ રેસ્ક્યૂ ઓપરેશને સાબિત કરી દીધું હતું કે યોગ્ય સંકલન, આધુનિક ટેકનોલોજી અને ટીમવર્કથી મોટામાં મોટી આફત સામે પણ જીત મેળવી શકાય છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા યોજાયેલી આ રાજ્યવ્યાપી મોકડ્રિલ ભવિષ્યની કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સામે લડવા માટે વહીવટીતંત્ર અને સામાન્ય નાગરિકોને વધુ મજબૂત અને સક્ષમ બનાવશે તે નિશ્ચિત છે.










