IAS-IPS દંપતીનો કરોડોનો 'વિલા કાંડ'! ₹6.17 કરોડમાં ખરીદ્યા 40 આલીશાન વિલા અને વાર્ષિક ₹1.80 કરોડનું ભાડું વસૂલ્યું, ACB બાદ હવે CBI અને ED પણ એક્શનમાં!

IAS-IPS દંપતીનો કરોડોનો 'વિલા કાંડ'! ₹6.17 કરોડમાં ખરીદ્યા 40 આલીશાન વિલા અને વાર્ષિક ₹1.80 કરોડનું ભાડું વસૂલ્યું, ACB બાદ હવે CBI અને ED પણ એક્શનમાં!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજસ્થાનમાં વરિષ્ઠ IAS અધિકારી શિખર અગ્રવાલ અને તેમનો પરિવાર કરોડો રૂપિયાના 40 આલીશાન વિલા ખરીદવાના ગંભીર આરોપોને કારણે ભારે વિવાદમાં સપડાયો છે. આ સમગ્ર મામલે રાજસ્થાન હાઈકોર્ટે પણ IAS શિખર અગ્રવાલને મોટો ઝટકો આપતા તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ચાલી રહેલી તપાસ પર કોઈપણ પ્રકારની તાત્કાલિક વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

જાહેરાત

મળતી માહિતી મુજબ, IAS અધિકારી શિખર અગ્રવાલ, તેમના પત્ની અને વરિષ્ઠ IPS અધિકારી પ્રશાખા માથુર તેમજ તેમના પરિવારના અન્ય સભ્યો પર અંદાજે ₹6.17 કરોડમાં 40 વિલા અને કોટેજ ખરીદવાનો આરોપ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મિલકતો ખરીદ્યા બાદ તેમણે જે કંપની પાસેથી તે ખરીદી હતી, તેને જ વાર્ષિક અંદાજે ₹1.80 કરોડના ભાડા પર પાછી લીઝ (પટ્ટે) પર આપી દીધી હતી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ 30 ઓક્ટોબરના રોજ શિખર અગ્રવાલ વિરુદ્ધ પ્રાથમિક તપાસ (PE) દાખલ કરી હતી.

હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત ન મળી

IAS શિખર અગ્રવાલે પોતાના સત્તાવાર પદના દુરુપયોગના આરોપો પર ACB દ્વારા શરૂ કરાયેલી પ્રાથમિક તપાસ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ રાજ્ય સરકાર દ્વારા તપાસ માટે અપાયેલી મંજૂરીને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારી હતી. અગ્રવાલના વકીલે વચગાળાની સુરક્ષાની માંગ કરતા દલીલ કરી હતી કે કલમ 17A હેઠળ મંજૂરી ઉતાવળમાં આપવામાં આવી છે. જોકે, જસ્ટિસ અનિલ કુમાર ઉપમાને તાત્કાલિક કોઈ રાહત આપવાનો ઈનકાર કર્યો હતો અને રાજ્ય સરકાર પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગીને સુનાવણી મુલતવી રાખી છે.

ACB બાદ CBI અને ED સુધી પહોંચ્યો મામલો

આ કેસમાં પક્ષકાર બનવા માટે અરજી કરનાર એડવોકેટ ટી.એન. શર્મા અને પૂનમ ચંદ ભંડારીએ દાવો કર્યો છે કે તેમણે શિખર અગ્રવાલ અને તેમના પરિવાર દ્વારા ખરીદાયેલી રિસોર્ટ મિલકતો અંગે તપાસ એજન્સીઓને ફરિયાદ કરી હતી. અરજી મુજબ, 28 અને 30 ઓક્ટોબરના રોજ ACB અને CBI ને ફરિયાદો મોકલવામાં આવી હતી, જ્યારે 6 નવેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

શું છે કલમ 17A નો નિયમ?

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A મુજબ, કોઈપણ જાહેર સેવક દ્વારા પોતાના સત્તાવાર કર્તવ્યોના પાલન દરમિયાન લેવાયેલા નિર્ણય કે ભલામણ સંબંધિત કથિત અપરાધની તપાસ શરૂ કરતા પહેલા પોલીસ કે તપાસ એજન્સીએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હોય છે. હાલ રાજ્ય સરકારની મંજૂરી બાદ તપાસ એજન્સીઓ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સક્રિય બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત