40 વિલા ખરીદ્યા, ભાડેથી વર્ષે ₹1.80 કરોડની કમાણી! રાજસ્થાનના IAS-IPS દંપતી સામે ભ્રષ્ટાચારની તપાસ

રાજસ્થાનમાં એક IAS-IPS દંપતીની મિલકતોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સરકારી પદનો કથિત દુરુપયોગ કરીને સસ્તા ભાવે 40 વિલા અને કોટેજ ખરીદવા તથા તે જ કંપનીને ભાડે આપીને વર્ષે ₹1.80 કરોડની આવક મેળવવાના આરોપોની તપાસ શરૂ થઈ છે. રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ આ મામલે પ્રાથમિક તપાસ બાદ વિગતવાર તપાસને મંજૂરી મેળવી છે. બંને અધિકારીઓને હાલ વેઇટિંગ ફોર પોસ્ટિંગ ઓર્ડર (APO) હેઠળ મૂકવામાં આવ્યા છે.
અઢી વર્ષમાં ₹6.16 કરોડના 40 વિલા ખરીદ્યા
આ મામલો IAS અધિકારી શિખર અગ્રવાલ અને તેમની પત્ની તથા વરિષ્ઠ IPS અધિકારી પ્રશાખા માથુર સાથે જોડાયેલો છે. અહેવાલ મુજબ, તેમના પરિવારજનોએ રાજસ્થાનની બે અનંતા રિસોર્ટ (Ananta Resorts) પ્રોપર્ટીમાં કુલ 40 વિલા અને કોટેજ ખરીદ્યા હતા. આ સોદાની કુલ કિંમત ₹6.16 કરોડ હોવાનું જણાવાયું છે.
સપ્ટેમ્બર 2023માં ઉદયપુરના બુઝડા સ્થિત રિસોર્ટમાં 20 કોટેજ ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ માર્ચ 2026માં અલવર જિલ્લાના અજાબગઢ સ્થિત રિસોર્ટમાં વધુ 20 વિલા ખરીદવામાં આવ્યા હતા. આ તમામ મિલકતો ગોયલ ફેશન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવી હતી.
જે કંપની પાસેથી ખરીદ્યા, તેને જ ભાડે આપ્યા
આ સોદામાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે પરિવારજનોએ મિલકતો ખરીદ્યા બાદ તે જ કંપનીને પાછી ભાડે આપી દીધી હતી. કરાર મુજબ, ઉદયપુરની દરેક કોટેજનું વાર્ષિક ભાડું ₹4 લાખ અને અલવરના દરેક વિલાનું વાર્ષિક ભાડું ₹5 લાખ નક્કી કરવામાં આવ્યું હતું.
આ રીતે 40 મિલકતોમાંથી વર્ષે કુલ ₹1.80 કરોડ ભાડાની આવક થવાની હતી. જેમાં ઉદયપુરની મિલકતોમાંથી ₹80 લાખ અને અલવરની મિલકતોમાંથી ₹1 કરોડની આવકનો અંદાજ હતો.
સરકારી કંપનીને ફાયદો પહોંચાડ્યાનો આરોપ
ACBના 30 ઓક્ટોબરના નિવેદન મુજબ, પ્રાથમિક તપાસમાં પ્રથમદર્શી પુરાવા મળ્યા છે કે શિખર અગ્રવાલે ગોયલ ફેશન્સના ડિરેક્ટરો સાથે મળીને કંપનીને કથિત રીતે અનુચિત લાભ પહોંચાડ્યો હતો. આના કારણે રાજ્યને મોટું આર્થિક નુકસાન થયું હોવાની પણ આશંકા છે.
આરોપો મુજબ, રિસોર્ટના બાંધકામ સંબંધિત નિયમોમાં છૂટછાટ, જરૂરી પ્રમાણપત્રોની યોગ્ય ચકાસણી વિના મંજૂરી અને અનુકૂળ શરતો પર વિશેષ નાણાકીય પેકેજ આપવામાં આવ્યું હતું. આ બાબતોની તપાસમાં ઉદયપુરના જિલ્લા કલેક્ટર, રાજસ્થાન રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકેના તેમના કાર્યકાળની ભૂમિકાની પણ તપાસ થશે.
મિલકતોની વિગતો અને આવકના સ્ત્રોતની તપાસ
ACB એ પણ તપાસી રહી છે કે અધિકારીની જાણીતી આવકની સરખામણીમાં તેમની સંપત્તિ વધારે તો નથી ને? સાથે જ મિલકતો ખરીદવા માટે નાણાં ક્યાંથી આવ્યા અને વાર્ષિક મિલકતની વિગતોમાં આ ખરીદીનો યોગ્ય ખુલાસો કરવામાં આવ્યો હતો કે નહીં તેની પણ તપાસ થશે.
રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ વિગતવાર તપાસને મંજૂરી આપી છે. જોકે, હાલ આ તમામ બાબતો આરોપો અને તપાસના તબક્કે છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અધિકારીઓની ભૂમિકા અંગે સ્પષ્ટતા થઈ શકશે.











