મણિપુરમાં પરિસ્થિતિ વણસી, 3 મંત્રીઓ, 6 ધારાસભ્યોના ઘર પર હુમલો, CMના જમાઈનું ઘર સળગાવ્યું
મણિપુરમાં સ્થિતિ ફરી કાબૂ બહાર જવા લાગી છે. જીરીબામ જિલ્લામાં

મણિપુરમાં સ્થિતિ ફરી કાબૂ બહાર જવા લાગી છે. જીરીબામ જિલ્લામાં એક નદીમાંથી છ ગુમ થયેલા લોકોના મૃતદેહ મળ્યાના કલાકો બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ શનિવારે ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘર પર હુમલો કર્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે પાંચ જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો હતો અને કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. અધિકારીઓએ કહ્યું કે રાજ્યમાં સ્થિતિ વણસી રહી છે.
સીએમના જમાઈના ઘર પર પણ હુમલો કર્યો
દેખાવકારોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના જમાઈના ઘર સહિત ત્રણ ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરી હતી. હિંસક ટોળાએ ધારાસભ્યોના ઘરોને આગ ચાંપી દીધી હતી. જવાબમાં સુરક્ષા દળોએ દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો.
નદીમાંથી 6 મૃતદેહ મળી આવ્યા...
સોમવારથી ગુમ થયેલી બે મહિલાઓ અને એક બાળકના મૃતદેહ શનિવારે જીરીબામની બરાક નદીમાંથી મળી આવ્યા હતા, જ્યારે શુક્રવારે રાત્રે એક મહિલા અને બે બાળકો સહિત અન્ય ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે આસામની સિલચર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ મંત્રીઓના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો
વિરોધીઓ દ્વારા જે મંત્રીઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સપમ રંજન, જાહેર વિતરણ મંત્રી એલ સુસિન્દ્રો સિંહ અને શહેરી વિકાસ મંત્રી વાય ખેમચંદના રહેઠાણોનો સમાવેશ થાય છે. વધતી હિંસાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ, બિષ્ણુપુર, થૌબલ અને કાચિંગ જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો છે.
મંત્રીએ રાજીનામું આપવાની ઓફર કરી
વિરોધીઓએ આરોગ્ય મંત્રી સપમ રંજનના ઘર પર હુમલો કર્યો, જે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લેમ્પેલ સાંકેઇથેલ ખાતે સ્થિત છે. પોલીસે જણાવ્યું હતું કે સપમે વિરોધીઓને કહ્યું હતું કે તે કેબિનેટની બેઠકમાં છ હત્યાઓનો મુદ્દો ઉઠાવશે અને જો સરકાર જન ભાવનાઓને માન નહીં આપે તો તે રાજીનામું આપવા તૈયાર છે.
વિરોધીઓએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રી એલ સુસિન્દ્રો સિંઘના ઘર પર પણ હુમલો કર્યો હતો, જેના પગલે સુરક્ષા દળોએ ટીયર ગેસના અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
ભાજપના ધારાસભ્ય અને CMના જમાઈ આરકે ઈમોનાના ઘર પર હુમલો
ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સિંગજમાઈ વિસ્તારમાં શહેરી વિકાસ મંત્રી વાય ખેમચંદના ઘરને પણ પ્રદર્શનકારીઓએ નિશાન બનાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ ભાજપના ધારાસભ્ય આરકે ઈમોના ઘરને પણ ઘેરી લીધું હતું, જેઓ મુખ્યમંત્રી એન બિરેન સિંહના જમાઈ છે. વિરોધીઓએ ધારાસભ્યના ઘરની તોડફોડ કરી અને તેમની સંપત્તિને આગ ચાંપી દીધી.
આ સિવાય ભાજપના ધારાસભ્ય સપમ કુંજકેસોર અને ધારાસભ્ય જોયકિશન સિંહના ઘરોને પણ પ્રદર્શનકારીઓએ નુકસાન પહોંચાડ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ધારાસભ્ય સપમ કુંજકેસોરના ઘરની બહાર એક વાહનમાં આગ લગાવવામાં આવી હતી.
દેખાવકારો સચિવાલય તરફ આગળ વધી રહ્યા હતા
વિરોધકર્તાઓએ MPL એસેમ્બલી બિલ્ડીંગની નજીક થંગમેઇબંદ વિસ્તારમાં રોડ પર ટાયરો સળગાવી દીધા હતા, જેઓ રાજભવન અને મુખ્યમંત્રી સચિવાલય તરફ આગળ વધી રહ્યા હતા.
રાજ્યના મુખ્ય સચિવ વિનીત જોશીએ ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર, થૌબલ, કાચિંગ, કાંગપોકપી અને ચુરાચંદપુર જિલ્લામાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓને બે દિવસ માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. માનવાધિકાર સંગઠનોની સંકલન સમિતિ (COCOMI) એ 24 કલાકની અંદર મણિપુરમાં આતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહીની માંગ કરી હતી. COCOMIના પ્રવક્તા કે. અથોબાએ તાજેતરમાં ફરીથી લાગુ કરાયેલા આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : Manipur : સીએમ બીરેન સિંઘને હટાવવાની માંગ, ભાજપ ધારાસભ્યોએ વડાપ્રધાનને લખ્યો પત્ર
11 સશસ્ત્ર કુકી આતંકવાદીઓને ઠાર
થોડા દિવસો પહેલા, મણિપુરમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 11 સશસ્ત્ર કુકી આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેઓ 11 નવેમ્બરે બપોરે 3:30 વાગ્યે જીરીબામ જિલ્લાના બોરોબેકરામાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા કુકી આતંકવાદીઓએ જીરીબામમાં બોરોબેકરા ખાતે સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો. CRPF એ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 11 કુકી આતંકવાદીઓ માર્યા ગયા.
હુમલા બાદ ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ થયા હતા. એવું કહેવાય છે કે આ છ સભ્યોનું કુકી આતંકવાદીઓ દ્વારા જીરીબામમાં અપહરણ કરવામાં આવ્યું હતું. હવે આ અપહરણ કરાયેલા 6 લોકોના મૃતદેહ જીરીમુખમાંથી મળી આવ્યા છે.
મણિપુરમાં હિંસા કેવી રીતે શરૂ થઈ?
મણિપુરમાં હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી, જ્યારે મણિપુર હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કુકી- આદિવાસી સમુદાય દ્વારા પ્રદર્શન દરમિયાન આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. વાસ્તવમાં, Meitei સમુદાયે મણિપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમને જનજાતિનો દરજ્જો આપવામાં આવે.
Meitei સમુદાયે દલીલ કરી હતી કે 1949માં મણિપુરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું. તે પહેલા તેમને આદિજાતિનો દરજ્જો હતો. મણિપુર હાઈકોર્ટે અરજી પર સુનાવણી પૂર્ણ કર્યા પછી, રાજ્ય સરકારને ભલામણ કરી છે કે Meitei સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) માં સમાવેશ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવે.








