'સમાધાન ના મળ્યું તો ભગવાનની સામે બેસી ગયો', રામ જન્મભૂમિ કેસ CJIએ કેવી રીતે ઉકેલ્યો
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પરના ચુકાદાની વાર્તા તેમના વતન ગામમ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પરના ચુકાદાની વાર્તા તેમના વતન ગામમાં સંભળાવી. CJI ચંદ્રચુડે જણાવ્યું કે, અમારી પાસે ઘણી વખત કેસ હોય છે પરંતુ તેનો ઉકેલ નથી નીકળી શકતો. અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસમાં પણ આવું જ થયું હતું. આ કેસ ત્રણ મહિના સુધી મારી પાસે રહ્યો હતો. તેમણે અયોધ્યા વિવાદના નિરાકરણ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે શ્રદ્ધા હોય તો ભગવાન માર્ગ શોધી જ આપે છે. અને એવું જ થયું.
CJI ચંદ્રચુડ ખેડ તાલુકાના તેમના મૂળ ગામ કાનહેરસર ખાતે લોકોને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, 'ઘણીવાર કેસ અમારી પાસે આવે છે, પરંતુ અમે ઉકેલ સુધી પહોંચી શકતા નથી. આવું જ કંઈક અયોધ્યા વિવાદ દરમિયાન થયું હતું, જે ત્રણ મહિના સુધી મારી સામે રહ્યો. હું ભગવાન સમક્ષ બેઠો અને પ્રાર્થના કરતા કહ્યું કે, આનો ઉકેલ તમારે જ શોધવો પડશે. ચીફ જસ્ટિસે કહ્યું, 'મારા પર વિશ્વાસ કરો, જો શ્રદ્ધા હોય તો ભગવાન હંમેશા રસ્તો શોધી આપે છે.'
CJIએ કહ્યું કે, દરેક વ્યક્તિએ સમુદાયોના રક્ષણમાં પોતાની ભૂમિકા ભજવવી જોઈએ, કારણ કે જળવાયુ પરિવર્તન માત્ર સમૃદ્ધ સમાજોને જ નહીં પરંતુ સૌથી વધુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને પણ અસર કરે છે.
ઐતિહાસિક ચુકાદો
જણાવી દઈએ કે 9 નવેમ્બર 2019માં તત્કાલીન CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરવા માટે એક વિવાદાસ્પદ મુદ્દાનો ઉકેલ લાવ્યા હતા. ચંદ્રચુડ પણ આજ ખંડપીઠનો હિસ્સો હતા. તેમણે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
જણાવી દઈએ કે, CJI ચંદ્રચુડે આ વર્ષ જુલાઈ મહિનામાં અયોધ્યાના રામ મંદિરના દર્શને ગયા હતા. આ જ વર્ષે 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.
10 નવેમ્બરના રોજ થશે નિવૃત્ત
ચીફ જસ્ટિસ ચંદ્રચુડ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. 8 નવેમ્બરના રોજ તેમનો છેલ્લો વર્કિંગ ડે હશે. 9 નવેમ્બર 2022ના રોજ તેમને ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પિતા વાયવી ચંદ્રચુડ પણ ચીફ જસ્ટિસ હતા. ડીવાય ચંદ્રચુડ બાદ જસ્ટિસ સંજીવ ખન્ના આગામી ચીફ જસ્ટિસ બનશે.






