તેલંગાણામાં હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટીનો ખુલાસો, 14 મહિલા સહિત 35 લોકોની અટકાયત
તેલંગાણાના સાઇબરાબાદમાં રેવ પાર્ટીનો ખુલાસો થયો છે. એક હાઇ પ્રોફાઇલ દરોડા

તેલંગાણાના સાઇબરાબાદમાં રેવ પાર્ટીનો ખુલાસો થયો છે. એક હાઇ પ્રોફાઇલ દરોડામાં ફાર્મ હાઉસ પર રેવ પાર્ટી કરતા 35 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ રેવ પાર્ટીના છેડા KTRના નજીકના સંબંધી સાથે જોડાયેલા છે.
મળતી માહિતી અનુસાર, તેલંગાણાના પૂર્વ મંત્રી કેટી રામારાવ (KTR)ના સંબંધી ગણાતા રાજ પાકલાના જણવાડા ફાર્મ હાઉસ પર એક હાઇ પ્રોફાઇલ દરોડામાં ગેરકાયદેસર દારુ અને નશીલા પદાર્થના ઉપયોગનો ખુલાસો થયો છે.
આ કાર્યવાહી નરસિંઘી પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ટીમ (SOT) અને આબકારી અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે મકિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત આ ફાર્મહાઉસમાં રેવ પાર્ટીની બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યા હતા.
આ દરોડામાં અધિકારીઓએ પાર્ટીમાં હાજર 35 લોકોની અટકાયત કરી છે જેમાં 21 પુરૂષ અને 14 મહિલા સામેલ હતી. તપાસ દરમિયાન 10.5 લીટર વિદેશી દારૂની સાત બોટલ અને 10 ભારતીય બોટલ પણ મળી આવી હતી જેમના માટે કોઇ લાઈસન્સ નહતું. આ રાજ્યના આબકારી કાયદાનું ઉલ્લંઘન છે.
અધિકારીઓએ શંકાના આધાર પર પાર્ટીમાં હાજર લોકોના ડ્રગ ટેસ્ટ કર્યા હતા જેમાં વિજય મડ્ડૂરી નામના વ્યક્તિમાં કોકીન પોઝિટિવ મળ્યો હતો. મડ્ડૂરીને વધુ ટેસ્ટ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે અને તેના વિરૂદ્ધ NDPS એક્ટની કલમ 27 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ફાર્મ હાઉસના માલિક રાજ પાકલા પર લાઈસન્સ વગર દારુ વેચવાના આરોપમાં આબકારી અધિનિયમની કલમ 34 (A), 34 (1) અને કલમ 9 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ ફાર્મહાઉસ પર ગેરકાયદેસર દારૂનું વેચાણ અને માદક પદાર્થના ઉપયોગની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.







