મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક: સંયુક્ત રાષ્ટ્રથી લઈને ડિફેન્સ સુધીના આ મોટા મુદ્દાઓ પર થઈ ઐતિહાસિક ચર્ચા!

સોર્સ: gstv

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હી ખાતે ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી બીટ મીનલ-રાઈસિંગર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધો, સંયુક્ત રાષ્ટ્ર (UN)માં સહયોગ, આર્થિક ભાગીદારી તેમજ વૈશ્વિક સુરક્ષા સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, "હાલમાં સમગ્ર વિશ્વ એક જટિલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયમાં ભારત અને ઓસ્ટ્રિયા—જેઓ વચ્ચે અત્યંત ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો છે—તેઓ વૈશ્વિક શાંતિ અને સુરક્ષામાં કેવી રીતે સાથે મળીને યોગદાન આપી શકે તે દિશામાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે તે સ્વાભાવિક છે." તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના બિન-કાયમી સભ્ય તરીકે ચૂંટાવા બદલ ઓસ્ટ્રિયાને અભિનંદન પાઠવ્યા હતા અને UN માળખામાં લાંબા સમયથી ચાલી આવતા સહયોગને વધુ આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો અંગે વાત કરતા વિદેશ મંત્રીએ ઉમેર્યું કે બંને દેશો વચ્ચેનું આર્થિક સહકાર સારું પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ તેમાં હજુ પણ ઘણી નવી સંભાવનાઓ રહેલી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) જેવા મુદ્દાઓ પર લોકો વચ્ચેના સંપર્કો સતત મજબૂત બની રહ્યા છે.

આ ઉપરાંત યુરોપિયન યુનિયન (EU) સાથે ભારતના સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી મહિનાઓમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) આખરી ઓપ પામશે અને અમલમાં આવશે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક તેમજ સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી પણ મજબૂત ગતિથી આગળ વધી રહી છે.

આ સમાચાર શેર કરો