મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન ફુંકાવાની સાથે ભારે વરસાદની આગાહી!

મહારાષ્ટ્રમાં આવતાં 48 કલાક માટે 6 સ્થળો માટે રેડ એલર્ટ અને અન્ય 6 સ્થળો માટે ઓરેંજ એલર્ટ આપી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં થાણે, પાલઘર, રાયગઢ, પુણે ઘાટ, નાશિક ઘાટ, સાતારા ઘાટ વગેરે જેવા પ્રદેશનો સમાવેશ છે.
આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપી આગાહી
આવા તોફાની હવામાનને પારખીને, હવામાન વિભાગે આજે 28 સપ્ટેબર, રવિવારે, મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ, નાસિક ઘાટ પ્રદેશ, પુણે ઘાટ પ્રદેશ તેમ કુલ છ સ્થળોએ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈમાં 28 અને 29 સપ્ટેબર એમ બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વરસાદ, વીજળી, પ્રચંડ ચમકારા અને જબરા પવન સાથે સૂસવાટાઓનું ત્રેખડ સર્જાય એવી સંભાવના છે. તારીખ ૨૮, ૨૯ સપ્ટેબરે નજીકનાં થાણે, પાલઘર સહિત રાયગઢથી લઇને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ધમાકેદાર વરસાદી બેટિંગ થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
200 મિલિમીટર કરતા વધુ વરસાદ વરસવાની શક્યતા
હવામાન વિભાગે એલર્ટ જાહેર કરેલ સ્થળોએ આવતા 24 કલાક દરમિયાન 200 મિલિમીટર અથવા તેના કરતાં પણ વધારે વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરી છે. તેથી હવામાન વિભાગે 24 કલાક માટે આ સ્થળો પર રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાલઘરમાં 29 સપ્ટેમ્બરે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત 29 સપ્ટેમ્બરે મુંબઈ સહિત થાણે, રાયગઢ, રત્નગિરિ, નાસિક, કોલ્હાપુર આમ કુલ 6 સ્થળોએ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગઈ કાલે રાત્રે મુંબઈમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદે નવરાત્રીના ગરબાના રંગમાં ભંગ પાડ્યો હતો. જેના માટે હવામાન વિભાગે પહેલેથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું હતું. 27 સપ્ટેમ્બરે સાંજના 7 વાગ્યા સુધીમાં કોલાબામાં 9.6 mm જ્યારે સાંતાક્રૂઝમાં 22.4 mm વરસાદ નોંધાયો હતો. વારસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આગામી 48 કલાક માટે કરાઈ ચેતવણી
હવામાન વિભાગે ચેતવણી કરી છે કે, આવતા 48 કલાક દરમિયાન મરાઠવાડાનાં છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, પરભણી, ધારાશિવ વગેરે જેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ(મુંબઈ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે, હાલ મરાઠવાડામાં વરસાદી વાતાવરણ વધું તોફાની બની રહ્યું છે. અને તેની સાથે કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ સક્રિય બન્યું છે.
પ. બંગાળના ઉપસાગર પર પણ હવાનું લો-પ્રેશર
આ સિવાય પશ્ચિમ બંગાળના ઊપસાગર પર પણ હવાનું હળવું દબાણ (લો -પ્રેશર) સર્જાઈ અને ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ ડિપ્રેશન ૨૭, સપ્ટેમ્બરે, એટલે કે ગઈ કાલે ઓડિશાથી પશ્ચિમ સુધી સરક્યું હતું. જોકે આ ડિપ્રેશન આજે લો-પ્રેશરમાં ફેરવવાઈ જાય તેવી સંભવના છે. આ ઉપરાંત તે ઓડિશાથી લઈને તેલંગાણા સુધી આકાશમાં 3.1થી 4.5 કિલોમીટરના આંતરનો હવાના હળવા દબાણનો ઘેરો પટ્ટો સર્જાયો છે.
આવા ભારે તોફાની કુદરતી પરિબળોની વ્યાપક આસરથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આવતા 3 દિવસ (29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર) દરમિયાન ભારે વરસાદ, ગાજવીજ અને તોફાની પાવન સાથે ભારે વરસાદ વરસે તેવો મેઘાડંબર સર્જાયો છે.

