ગરમી બની જીવલેણ, આ રાજ્યમાં 72 કલાકમાં હીટ સ્ટ્રોકથી 99ના મોત
દેશના વિવિધ ભાગોમાં જીવલેણ ગરમી પડી રહી છે. ગરમીના કારણે અનેક રાજયોમાં મોટ નો આંકડો વધી

દેશના વિવિધ ભાગોમાં જીવલેણ ગરમી પડી રહી છે. ગરમીના કારણે અનેક રાજયોમાં મોટ નો આંકડો વધી રહ્યો છે. ત્યારે ઓડિશાના વિવિધ ભાગોમાં છેલ્લા 72 કલાકમાં સન સ્ટ્રોકને કારણે 99 લોકોના મોત નોંધાયા છે. આ 99 મૃત્યુમાંથી 20 કેસની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનરે જણાવ્યું છે કે આ કાળઝાળ ગરમી દરમિયાન સ્ટ્રોકના કારણે થયેલા મૃત્યુના કુલ 141 કેસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવ્યા છે, જેમાંથી 26 લોકોના મોત ગરમીના મોજાને કારણે થયાની પુષ્ટિ કરવામાં આવી છે.
હીટ સ્ટ્રોકના કારણે થયેલા મોતથી રાજ્ય સરકાર ચિંતિત
હીટ સ્ટ્રોકના કારણે આટલી મોટી સંખ્યામાં અચાનક થયેલા મોતને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે. હીટ સ્ટ્રોકને કારણે મૃત્યુની સતત વધી રહેલી સંખ્યાને જોતા, ડોકટરોની ત્રણ સભ્યોની ટીમ શનિવારે રાઉરકેલા સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
જ્યાં પ્રોફેસર ભુતેશ્વર પ્રધાન, રાજ્ય સર્વેલન્સ ઓફિસર ડૉ. અશોક કુમાર પતરાય અને બુર્લાથી આવેલા ડૉ. અર્ઘ્ય પ્રધાને RGH અધિક્ષક ડૉ. ગણેશ પ્રસાદ દાસ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ સાથે તેમણે હીટ સ્ટ્રોક વોર્ડની પણ મુલાકાત લીધી હતી અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ સભ્યોની ટીમ હીટ સ્ટ્રોકની સ્થિતિ અંગે રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપશે.
હીટ સ્ટ્રોકથી બચવા માટેની ટીપ્સ
અહીં, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે જણાવ્યું છે કે વૃદ્ધો તેમજ બીમાર લોકો અને સગર્ભા સ્ત્રીઓ માટે સ્ટ્રોકનું જોખમ વધારે છે. વધુ પડતો પરસેવો, ચક્કર અને આંખો સામે અંધારું આવવું, તીવ્ર તરસ લાગવી, સ્નાયુઓમાં જકડાઈ આવવી, બેહોશ થવી એ હીટ સ્ટ્રોકના લક્ષણો છે.
આનાથી છુટકારો મેળવવા માટે, જ્યારે સૂર્યપ્રકાશ ઓછો હોય ત્યારે સવારે અથવા સાંજે બહાર જાઓ. બહાર જતા પહેલા પૂરતું પાણી પીવો. હળવા રંગના ઢીલા કપડાં પહેરો, છત્રી અને શૂઝનો ઉપયોગ કરો. તડકામાં શારીરિક શ્રમ ન કરો. બહુ દૂર ચાલશો નહીં. વચ્ચે છાયામાં આરામ કરો.
પીડિત વ્યક્તિને સારવાર માટે ખુલ્લી અને ઠંડી જગ્યાએ લઈ જાઓ. ORS અથવા ખાંડ, મીઠાનું પાણી અથવા સાદુ પાણી પીવડાવો.
હીટસ્ટ્રોકથી પીડિત વ્યક્તિનું માથું ધોઈ લો અને તેને ભીના કપડાથી સાફ કરો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દર્દીને હવામાં પંખા અથવા કૂલર અથવા એસીમાં સૂવાની માટે સલાહ આપી છે.







