Video: "વીડિયો પુરાવા, હોસ્પિટલ રેકોર્ડ હોવા છતાં 7 વર્ષથી જેલ ભોગવી રહ્યો છું!" આઝમ ખાનના પુત્રનો સણસણતો આરોપ

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાને જેલમાંથી જામીન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કાનૂની કાર્યવાહી અને પોતાના પર થયેલા કેસો અંગે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તમામ માન્ય દસ્તાવેજો અને તબીબી પુરાવા હોવા છતાં માત્ર પોતાના નામ અને ઓળખના કારણે તેઓ છેલ્લા સાત વર્ષથી સજા ભોગવી રહ્યા છે.
રામપુર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં અબ્દુલ્લા આઝમે જણાવ્યું કે, "હું એટલો કમનસીબ છું કે મારી પાસે મારા જન્મના વીડિયો પુરાવા, હોસ્પિટલના તમામ રેકોર્ડ અને મારી માતાની મેટરનિટી લીવના સંપૂર્ણ દસ્તાવેજો હોવા છતાં, માત્ર ખોટી જન્મતારીખ સુધારવાના આરોપસર હું છેલ્લા સાત વર્ષથી સજા ભોગવી રહ્યો છું. આ મારું દુર્ભાગ્ય છે કે મારું નામ અબ્દુલ્લા હોવાને કારણે હું આ સત્ય સાબિત ન કરી શક્યો. જો મારું નામ અબ્દુલ્લા ન હોત, તો કદાચ હું આ સત્ય સાબિત કરવામાં સફળ રહ્યો હોત. અમારો કોઈ અધિકાર રહ્યો નથી."
પોતાના પિતા અને સપાના દિગ્ગજ નેતા આઝમ ખાન અંગે વાત કરતાં તેમણે ભાવુક થઈને કહ્યું કે, "આઝમ સાહેબ ૧૦ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહ્યા. તેમનો એકમાત્ર વાંક એ હતો કે તેમણે રામપુરના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરી, જ્યાં એક સમયે સાક્ષરતા દર માત્ર ૨૨ ટકા હતો. તેમણે પોતાના શહેરમાં એક મોટી યુનિવર્સિટી બનાવવાનું સપનું જોયું હતું. જો તેમણે આ સપનું ન જોયું હોત અને અન્ય ધારાસભ્યો કે સાંસદોની જેમ જ કામ કર્યું હોત, તો તેમની સાથે કશું જ ન થયું હોત. તેમને તેમના સપનાની સજા મળી છે અને અમને અમારા નામની સજા મળી છે."
કાનૂની કાર્યવાહી અને પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે, "આજે અમે જામીનની ઔપચારિકતાઓ પૂરી કરીશું અને કદાચ કાલે ટેલિવિઝન કે ફ્રિજની ચોરીના આરોપમાં આઝમ સાહેબને વધુ ૧૦ વર્ષની સજા સંભળાવી દેવામાં આવે. અમારી સાથે બિલકુલ આવું જ બની રહ્યું છે. તેમ છતાં અમે હિંમત હાર્યા વિના અમારી કાનૂની લડાઈ લડી રહ્યા છીએ અને આગળ પણ અદાલતમાં લડત ચાલુ રાખીશું."











