Video: દિલ્હી AIIMS બહાર ઠંડીમાં ઠૂંઠવાતા દર્દીઓ માટે મોટો નિર્ણય: BEL એ તૈયાર કરી દીધી આ ખાસ સુવિધા!

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દિલ્હી ખાતે દેશભરમાંથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખીને એક નવી કાયમી આશ્રય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. AIIMSના ડાયરેક્ટર ડૉ. નિખિલ ટંડને જણાવ્યું કે, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ અંતર્ગત એક વિશાળ અને બંધ શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ડૉ. નિખિલ ટંડને વિગતો આપતા કહ્યું, "અગાઉ દૂર-દૂરથી OPDમાં બતાવવા આવતા દર્દીઓ અને તેમના સગાંઓ માટે રાત્રિ રોકાણની પૂરતી યોગ્ય વ્યવસ્થા નહોતી. શરૂઆતમાં અમે CRPFની મદદથી એક કામચલાઉ ટેન્ટ ઊભો કર્યો હતો. પરંતુ હવે BEL દ્વારા આ પાકું અને બંધ માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. જેમ જેમ ઠંડી વધશે તેમ અમે ટેન્ટમાં રહેલા વધુમાં વધુ લોકોને આ કાયમી શેડમાં શિફ્ટ કરીશું, જેથી તેમને કડકડતી ઠંડીથી રક્ષણ મળી શકે. આ કાયમી વ્યવસ્થા હોવાથી અહીં બેડ અને બેસવાની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે. વધુમાં, આ શેડમાં અંદર જ શૌચાલય અને પાણીની સુવિધા પણ સામેલ છે. અમને આશા છે કે આનાથી દર્દીઓ અને તેમના પરિજનોને ઘણી મોટી સુવિધા મળશે."
દિલ્હીમાં શિયાળાની ઋતુ શરૂ થતાં જ હોસ્પિટલ બહાર ફૂટપાથ કે ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર બનતા દર્દીઓ માટે આ પહેલ અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે.











