મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજસ્થાનમાં ભાજપ માટે ક્લીન સ્વીપની હેટ્રિક મુશ્કેલ, આ બેઠકો પર કોંગ્રેસ ભારે પડી શકે

લોકસભાની ચૂંટણી મતદાનના ચોથા તબક્કામાં આગળ વધી છે ત્યારે કેટલાક રાજ્યો એવા છે જેમાં મતદાન પૂર્ણ થયું

રાજસ્થાનમાં ભાજપ માટે ક્લીન સ્વીપની હેટ્રિક મુશ્કેલ, આ બેઠકો પર કોંગ્રેસ ભારે પડી શકે

લોકસભાની ચૂંટણી મતદાનના ચોથા તબક્કામાં આગળ વધી છે ત્યારે કેટલાક રાજ્યો એવા છે જેમાં મતદાન પૂર્ણ થયું છે. રાજસ્થાન, ગુજરાત, ગોવા, કર્ણાટક એવા રાજ્યો છે જ્યાં મોટાભાગે ભાજપનું એક દાયકાથી પ્રભુત્વ રહ્યું છે. આ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે તેમાંય રાજસ્થાનની વાત કરીએ તો અહીંયા પહેલા બે તબક્કામાં કૂલ 25 લોકસભા બેઠકો ઉપર મતદાન થયું હતું. 

તાજેતરમાં આ બેઠકોના પરિણામો અંગે રાજકીય વર્તુળો અને જાણકારોમાં જાતભાતની ચર્ચા અને સર્વે ચાલી રહ્યા છે. રાજસ્થાન એવું રાજ્ય છે જેમાં વિધાનસભાની ચૂંટણીમાં દર પાંચ વર્ષે જનાદેશમાં ફેરફાર આવતો હોય છે. લોકસભાની ચૂંટણીમાં આવું ખાસ જોવાયું નથી તેમાંય જો છેલ્લી ચાર લોકસભાની ચૂંટણી જોઇએ તો તેમાં ભાજપ તરફી મતો વધારે પડ્યા છે. બીજી તરફ કેટલાક રાજકીય જાણકારો માને છે કે ભાજપ આ વખતે પણ ક્લીન સ્વીપ કરશે અને વિજયની હેટ્રિક લગાવશે. બીજી તરફ સ્થાનિક મુદ્દા અને સ્થાનિક સ્થિતિને જાણનારા તજજ્ઞો માને છે કે, ભાજપને આ વખતે ક્લીન સ્વિપની હેટ્રિક લગાવવામાં મુશ્કેલી સર્જાશે. જાણકારોના મતે ઓછામાં ઓછી 10 બેઠકો એવી છે જેમાં સ્થાનિક મુદ્દા મોટાપાયે અસરકારક બની શકે છે. આ સંજોગોમાં કોંગ્રેસને ફાયદો થાય તેમ લાગી રહ્યું છે. ભાજપ દ્વારા અત્યાર સુધી 25 ટકા જેવું મોટું વોટશેર માર્જિન રાખવામાં આવ્યું છે જે કોંગ્રેસ માટે ખાળવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે પણ કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસ મજબૂત પ્રતિસ્પર્ધા પુરી પાડી રહી છે. ધારો કે 10માંથી છ-સાત બેઠકો પણ કોંગ્રેસના ભાગે આવે તો ભાજપ માટે નુકસાનકારક જ છે.

વિવિધ સમુદાયોની નારાજગી અસર કરી શકે

રાજસ્થાનમાં જાતીગત સમીકરણો જોઇે તો અહીંયા અંદાજે 31 ટકા વસતી એસસી-એસટીની છે. તેના કારણે તેઓ બેઠકો ઉપર કિંગમેકર થઇ જાય છે. તે ઉપરાંત જાટ અને રાજપૂત સમાજની સમસ્યાઓ મોટાભાગે દરેક ચૂંટણીમાં જોવા મળતી જ હોય છે. આ વખતે મોટું પરિવર્તન એ આવ્યું છે કે હનુમાન બેનીવાલે NDAનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને સપોર્ટ કરી રહ્યા છે તેના કારણે કોંગ્રેસને જાટ સમુદાયના વધારે મત મળવાની આશા છે. તે ઉપરાંત સચીન પાયલોટના જોરે પણ કોંગ્રેસ ગુર્જરોના મત અંકે કરવા માંગે છે. આ સિવાય ખેડૂતો વર્તમાન સરકારથી નારાજ છે અને તેમના દ્વારા સમયાંતરે આંદલનો કરવામાં આવી રહ્યાં છે. આ આંદોલનોથી પણ કોંગ્રેસને લાભ થઇ શકે છે. આ રીતે વિવિધ સમુદાયોની નારાજગી ભાજપને અને NDAને કેટલીક બેઠકો ઉપર નુકસાન કરવાની અને કોંગ્રેસને લાભ કરાવવાની શક્યતાઓ તરફ ઇશારા કરી રહી છે. આ જોતા બેઠકોમાં ફેરફાર થાય તે વાતને અવગણી શકાય નહીં.

ત્રણમાંથી આ બે બેઠક કોંગ્રેસને જાય તેવી શક્યતા

રાજકીય વિશ્લેષકો માને છે કે જાટ સમુદાય તો ઘણા મુદ્દે સરકારથી નારાજ ચાલતો હતો પણ હવે તો રાજપૂત સમાજે પણ સરકાર સામે બાંયો ચડાવી છે. ખાસ કરીને રૂપાલાની જે ઘટના બની ત્યારબાદ ક્ષત્રિય સમાજ મોટાપાયે ભાજપથી નારાજ છે. આ જોતા લાગી રહ્યું છે કે, રાજસ્થાનનું પણ સામુદાયિક રાજકારણ મોટાપાયે અસર જન્માવી શકે છે. રાજકીય જાણકારોના મતે શેખાવતી બેલ્ટ જેમાં ચુરૂ-સિકર અને ઝુંઝનું એમ ત્રણ બેઠકો આવે છે. તેના રાજપૂત સમુદાયના લોકોએ જો ભાજપ વિરોધી મતદાન કર્યું હશે તો થોડો પણ ફેરફાર થયો તો ભાજપને ત્રણમાંથી ઓછામાં ઓછી બે બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. બીજી તરફ ગુર્જર મતો પણ આ ચૂંટણીને અસર પહોંચાડી શકે છે, તેનું કારણ એવું છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુર્જરો ભાજપના સમર્થનમાં હતા. ઘણા ગુર્જર નેતાઓએ મોટા રાજકીય કામ કર્યા છે. તાજેતરમાં વિધાનસભામાં ગુર્જરો દ્વારા ભાજપને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવાઇ હતી ત્યારબાદ સરકારે ગુર્જરોને યોગ્ય પ્રતિનિધિત્ત્વ આપવામાં કચાસ રાખતા ગુર્જર સમુદાય પણ વ્યાપક રીતે નારાજ છે.

ભાજપની બેઠકો ઘટી શકે છે

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ભાજપને આ વખતે 25માંથી 25 બેઠકો મળી જ જશે તેવા કોઇ એંધાણ દેખાતા નથી. રાજકીય ગલીયારોમાં ચર્ચા છે કે ભાજપની બેટકોમાં ઘટાડો થઇ રહ્યો છે. જાતીગત મુદ્દા, મોંઘવારી, બેરોજગારી અને અનામત તથા ખેડૂતોના મુદ્દા સહિત સ્થાનિક મુદ્દે ભાજપને આ વખતે ફટકો પડે તેમ છે. આ સ્થિતિમાં થોડા સમય પહેલાં ભાજપના એક ટોચના નેતાનું નિવેદન હતું કે, ભાજપને આ વખતે તમામ બેઠકો મળવી મુશ્કેલ છે. ભાજપની 1-2 બેઠકો ઘટી શકે છે. મહત્ત્વની વાત એ છે કે સ્થાનિક મુદ્દા અને ક્યાંક સામુદાયિક દબાણો પરિણામમાં ફેરફાર લાવી શકે છે. ટોચના નેતાના આ નિવેદનના રાજકીય વર્તુળોમાં ઉંડા પ્રત્યાઘાત પડ્યા હતા.

2009ને બાદ કરતા છેલ્લા બે દાયકામાં ભાજપનો દબદબો

રાજસ્થાનમાં વિધાનસભામા ભલે ગમે તે સ્તરે ઉથલ પાથલ થતી હોય અને બેઠકો બદલાતી કે ઘટતી હોય પણ લોકસભામાં લોકોએ મોટાપાયે ભાજપને પ્રાધાન્ય આપ્યું છે. 1999થી 2019 સુધીના બે દાયકાની પાંચ લોકસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે. માત્ર 2009ની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે વધારે બેઠકો આવી હતી બાદી ભાજપ મોટા માર્જિનથી આગળ જ રહ્યું છે. 1999ની ચૂંટણીમાં ભાજપ અને સાથીઓને 16 બેઠકો મળી હતી. 2004માં 21 બેઠકો મળી હતી. 2009ની લોકસભામાં ભાજપનો ગજ વાગ્યો નહતો અને કોંગ્રેસ 20 બેઠકો જીતી ગઇ હતી ત્યારબાદ ભાજપમાં મોદી યુગના ઉદય સાથે રાજસ્થાનની પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા હતા. છેલ્લી બન્ને લોકસભા ચૂંટણીમાં એટલે કે 2014 અને 2019માં ભાજપને 25 એટલે કે તમામ બેઠકો મળતી આવી છે, તેના પગલે જ એક તરફ ભાજપને ત્રીજી વખત ક્લીન સ્વીપની તો બીજી તરફ કોંગ્રેસને ખાતું ખુલવાની આશા છે.

આ સમાચાર શેર કરો