પાકિસ્તાની કન્ટેન્ટ મામલે નેટફ્લિક્સને સરકારની સૂચના: ભારતીય દર્શકો માટે ઉપલબ્ધ ન કરાવવા સ્પષ્ટ સંદેશ

પાકિસ્તાની વેબ સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ની ભારતમાં સંભવિત રિલીઝ પહેલાં કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં બનેલું અથવા પાકિસ્તાન સાથે સંબંધિત કન્ટેન્ટ ભારતીય સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં ન આવે. મંત્રાલયે આ મામલે 8 મે, 2025ના રોજ જાહેર કરેલી એડવાઇઝરીનો ફરી ઉલ્લેખ કરીને તેનું પાલન કરવા જણાવ્યું છે. આ પગલું વેબ સિરીઝને લઈને મળેલી અનેક ફરિયાદો અને રજૂઆતો બાદ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
નેટફ્લિક્સને જૂની પ્રતિબદ્ધતા યાદ અપાવી
સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂન 2025માં નેટફ્લિક્સે મંત્રાલયને જણાવ્યું હતું કે ભારતીય સબસ્ક્રાઇબર્સ માટે પાકિસ્તાનની કોઈ ફિલ્મ કે વેબ સિરીઝ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. હવે સરકારે કંપનીને પોતાની આ જ પ્રતિબદ્ધતા જાળવી રાખવા અને અગાઉ અપનાવેલા વલણ પર કાયમ રહેવા જણાવ્યું છે.
4 ડિસેમ્બરે સિરીઝના પ્રીમિયરની ચર્ચા
અહેવાલો મુજબ, ‘જો બચે હૈં સંગ સમેટ લો’ વેબ સિરીઝનું પ્રીમિયર 4 ડિસેમ્બર, 2026ના રોજ થવાનું છે. જોકે, રિલીઝ પહેલાં જ વિવિધ સંગઠનોએ નેટફ્લિક્સને આ સિરીઝ ભારતીય કન્ટેન્ટ કેટલોગમાંથી દૂર રાખવાની માગ કરી છે. કેટલાક સંગઠનોએ ભારતીય દર્શકોને અપીલ કરી હોવાનું પણ કહેવાય છે કે જો નેટફ્લિક્સ આ સિરીઝ ભારતમાં રજૂ કરે તો તેઓ પોતાનું સબસ્ક્રિપ્શન રદ કરે. આ ઉપરાંત, પાકિસ્તાની ફિલ્મો, ટીવી શો, કલાકારો અને અન્ય મનોરંજન સામગ્રીને ભારતીય પ્લેટફોર્મ પર આવતી અટકાવવા માટે કાયમી કાનૂની જોગવાઈ કરવાની માગ પણ કરવામાં આવી છે.
મે 2025ની એડવાઇઝરીમાં શું હતું?
8 મે, 2025ની એડવાઇઝરીમાં ભારતમાં કાર્યરત OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ સેવાઓ અને ડિજિટલ ઇન્ટરમિડિયરીને પાકિસ્તાની મૂળનું કન્ટેન્ટ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનામાં વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ સહિતની અન્ય સ્ટ્રીમિંગ સામગ્રીનો સમાવેશ થાય છે. આ નિયમ પેઇડ સબસ્ક્રિપ્શન અને ફ્રી, બંને પ્રકારની સેવાઓને લાગુ પડે છે.
પહેલગામ હુમલા બાદ લેવાયો હતો નિર્ણય
22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. આ ઘટનાના પગલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરી હતી. મંત્રાલયે તે સમયે ભારતના વિવિધ આતંકી હુમલાઓમાં સરહદ પારના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, માહિતી પ્રૌદ્યોગિકી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા આચારસંહિતા) નિયમો, 2021ની જોગવાઈઓને પણ નિર્ણયના આધાર તરીકે રજૂ કરવામાં આવી હતી.









