IND A vs PAK A / તિલક વર્માની ભૂલના કારણે મેચ દરમિયાન થયો ડ્રામા, પાકિસ્તાની ખેલાડીઓ અને અમ્પાયર વચ્ચે થઈ બબાલ

દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026ના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં પાકિસ્તાન-A ટીમે ઈન્ડિયા-Aને 48 રનથી પરાજય આપ્યો છે. રવિવાર (22 નવેમ્બર) ના રોજ રમાયેલી આ મેચના અંતિમ તબક્કામાં ભારતીય કેપ્ટન તિલક વર્માની પોઝિશન અને અમ્પાયરના નિર્ણયને લઈને મેદાન પર ભારે ડ્રામા સર્જાયો હતો.
44મી ઓવરમાં શું બન્યું હતું?
ભારતની ઈનિંગ્સની 44મી ઓવરની શરૂઆતમાં પાકિસ્તાન-Aનો ફાસ્ટ બોલર અલી રઝા ઓવર ધ વિકેટ બોલિંગ કરી રહ્યો હતો અને શાહબાઝ અહમદ સ્ટ્રાઈક પર હતા. નોન-સ્ટ્રાઈકર છેડે તિલક વર્મા બોલરની એ જ તરફ ઉભો હતો, જ્યારે તેના માટે અમ્પાયરની મંજૂરી લેવી જરૂરી હોય છે.
અલી રઝાએ નાખેલા પ્રથમ બોલને શાહબાઝ અહમદે મિડ-ઓફ તરફ રમ્યો હતો અને તે ડોટ બોલ રહ્યો હતો. જોકે, ત્યારબાદ અમ્પાયરે તિલકની ખોટી પોઝિશન પર ધ્યાન આપીને બોલને 'ડેડ બોલ' જાહેર કર્યો હતો અને અલી રઝાને તે જ બોલ ફરીથી નાખવાની સૂચના આપી હતી.
પાકિસ્તાની ખેલાડીઓ અને અમ્પાયર વચ્ચે ચર્ચા
અમ્પાયરના આ નિર્ણયથી પાકિસ્તાની ટીમ નારાજ થઈ હતી. પાકિસ્તાન-Aના કેપ્ટન અબ્દુલ સમદ અને અન્ય ખેલાડીઓએ મેદાન પર અમ્પાયર્સ સાથે લાંબી ચર્ચા કરી હતી અને નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન તિલક વર્માએ પણ અબ્દુલ સમદ સાથે વાતચીત કરી હતી.
ફરી નાખેલા બોલ પર મળ્યો 1 રન, શાહબાઝ આઉટ
અમ્પાયરે પોતાનો નિર્ણય યથાવત રાખતા પાકિસ્તાને તે બોલ ફરીથી નાખવો પડ્યો હતો. ફરી નાખવામાં આવેલા બોલ પર શાહબાઝ અહમદે 1 રન લીધો હતો, જેનાથી અગાઉના ડોટ બોલને બદલે ભારતને 1 રન મળ્યો હતો. જોકે, આ જ 44મી ઓવરમાં શાહબાઝ અહમદ આઉટ થતાં 314 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ઈન્ડિયા-A ટીમને સાતમો ઝટકો લાગ્યો હતો અને આખરે મેચ પાકિસ્તાન-Aના પક્ષમાં ગઈ હતી.










