બાળકના જન્મ સમયે પિતાને મળશે 15 દિવસની રજા, તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય

તમિલનાડુ સરકારે સરકારી કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યના સરકારી પુરુષ કર્મચારીઓને બાળકના જન્મ સમયે 15 દિવસની પિતૃત્વ રજા (Paternity Leave) મળશે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો હેતુ બાળકના ઉછેરમાં પિતાની ભાગીદારી વધારવા અને પરિવારની જવાબદારીઓ પતિ-પત્ની વચ્ચે વહેંચવા માટે પ્રોત્સાહન આપવાનો છે.
જન્મ પહેલાં અથવા છ મહિનાની અંદર રજા લઈ શકાશે
રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, રાજ્યના પરણિત પુરુષ સરકારી કર્મચારીઓ બાળકના જન્મના 15 દિવસ પહેલાં અથવા જન્મના છ મહિનાની અંદર 15 દિવસની પિતૃત્વ રજા લઈ શકશે. આ નિર્ણયથી પિતાને બાળકના જન્મ સમયે પરિવાર સાથે રહેવાની અને નવજાત શિશુની સંભાળમાં સહયોગ આપવાની તક મળશે. ખાસ કરીને બાળકના શરૂઆતના દિવસોમાં પિતાની હાજરી અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનો સરકારનો પ્રયાસ છે.
મહિલા કર્મચારીઓને એક વર્ષની માતૃત્વ રજા
તમિલનાડુ સરકારમાં મહિલા કર્મચારીઓને અગાઉથી જ 365 દિવસ એટલે કે એક વર્ષની માતૃત્વ રજા (Maternity Leave) આપવામાં આવે છે. સરકારના જણાવ્યા અનુસાર, આ રજા માતૃત્વના મહત્વ અને બાળકના કલ્યાણને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. હવે આ જ દિશામાં પુરુષ કર્મચારીઓ માટે પણ પિતૃત્વ રજાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે તેનાથી બાળકના ઉછેરમાં પિતાની સક્રિય ભાગીદારી વધશે અને પરિવારની જવાબદારીઓ વહેંચવામાં મદદ મળશે.
લાંબા સમયથી થઈ રહી હતી માગ
સરકારની યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા પુરુષ કર્મચારીઓ માટે પિતૃત્વ રજા શરૂ કરવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. કર્મચારીઓની આ માગ અને પરિવારની જવાબદારીઓમાં પિતાની ભૂમિકાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.












