અભિષેક બેનર્જીની TMC ઓફિસ તોડવા મામલે હાઇકોર્ટ કડક, 15 ડિસેમ્બર સુધી બુલડોઝર ચલાવવા પર રોક

અભિષેક બેનર્જીની TMC ઓફિસ તોડવા મામલે હાઇકોર્ટ કડક, 15 ડિસેમ્બર સુધી બુલડોઝર ચલાવવા પર રોક
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીની પાર્ટી ઓફિસ તોડવાના મામલે કલકત્તા હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના અમતલા ખાતે આવેલી TMCની પાર્ટી ઓફિસને તોડી પાડવા પર અગાઉ મૂકવામાં આવેલી રોકને કોર્ટે વધારીને 15 ડિસેમ્બર, 2026 સુધી લંબાવી છે. આ સાથે જ ત્યાં સુધી વહીવટી તંત્ર બુલડોઝર દ્વારા તોડફોડની કાર્યવાહી કરી શકશે નહીં.

જુલાઈમાં ત્રણ બુલડોઝર સાથે પહોંચ્યું હતું તંત્ર

આ વિવાદની શરૂઆત 18 જુલાઈ, 2026ના રોજ થઈ હતી. દક્ષિણ 24 પરગણા જિલ્લા વહીવટીતંત્રે અમતલા વિસ્તારમાં આવેલી પાંચ માળની ઇમારતના એક ભાગને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઇમારતનો ઉપયોગ અભિષેક બેનર્જીના ડાયમંડ હાર્બર લોકસભા મતવિસ્તારની પાર્ટી ઓફિસ તરીકે થતો હતો. વહીવટી તંત્રની કાર્યવાહી દરમિયાન સ્થળ પર ત્રણ બુલડોઝર તૈનાત કરવામાં આવ્યાં હતાં. પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની હાજરીમાં ઇમારતના આગળના ભાગને તોડી પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઓફિસમાંથી મોટી સંખ્યામાં દસ્તાવેજો, ખુરશીઓ, ટેબલ અને લેપટોપ પણ બહાર કાઢવામાં આવ્યાં હતાં. વહીવટી તંત્રે આ કાર્યવાહી પાછળ બાંધકામના નિયમોનું ઉલ્લંઘન અને મંજૂર બિલ્ડિંગ પ્લાન ન હોવાનાં કારણો આપ્યાં હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ પગલું ભરવામાં આવ્યું હતું.

જાહેરાત

હાઇકોર્ટે 19 જુલાઈએ પ્રથમ વખત રોક લગાવી હતી

વહીવટી તંત્રની કાર્યવાહી સામે અભિષેક બેનર્જી સાથે સંકળાયેલી કંપની 'લીપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ'એ કલકત્તા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. વિવાદિત ઇમારત આ કંપનીના નામે નોંધાયેલી છે. કંપનીએ આક્ષેપ કર્યો હતો કે પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપ્યા વિના જ તોડફોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 19 જુલાઈના રોજ રજાના દિવસે હાઇકોર્ટમાં આ મામલે વિશેષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ રાજા બસુ ચૌધરીની ખંડપીઠે વહીવટી તંત્રને આગળની તોડફોડ અટકાવવા અને ઇમારતની હાલની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. પ્રારંભિક સુનાવણી દરમિયાન કોર્ટે એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે શું ઇમારતના માલિકને ફરિયાદ અને કાર્યવાહી પાછળનાં કારણોની જાણ કરવામાં આવી હતી? તેમજ પોતાનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આપવામાં આવી હતી કે નહીં? હવે કોર્ટે તોડફોડ પરની વચગાળાની રોક 15 ડિસેમ્બર સુધી લંબાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત