6,000 કરોડ કોણ ચૂકવશે અને સંપત્તિ કોણ વેચશે? સંજય કપૂરના ફેમિલી ટ્રસ્ટ વિવાદ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ, 15 બેઠકો છતાં ન આવ્યું સમાધાન!

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરની અબજો રૂપિયાની સંપત્તિ અને ફેમિલી ટ્રસ્ટને લઈને ચાલી રહેલો પારિવારિક વિવાદ હવે વધુ ગૂંચવાયો છે. સંજય કપૂરની માતા રાની કપૂર અને પરિવારના અન્ય સભ્યો વચ્ચે ચાલી રહેલી આ કાનૂની લડાઈ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અત્યંત મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન રાની કપૂર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમના અસીલ ફેમિલી ટ્રસ્ટની સંપત્તિમાં પોતાનો હિસ્સો માંગી રહ્યા છે અને તેમનો આ દાવો અંદાજે 6,000 કરોડ રૂપિયાનો છે.
6,000 કરોડ રૂપિયા કોણ ચૂકવશે અને ટ્રસ્ટની સંપત્તિ કોણ વેચશે?
સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે રાની કપૂરના દાવા અને તેઓ કેટલી રકમ માંગી રહ્યા છે તે અંગે સ્પષ્ટતા માંગી હતી. જ્યારે વકીલે આશરે 6,000 કરોડ રૂપિયાના દાવાની વાત કરી, ત્યારે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે પૂછ્યું કે જો રાની કપૂરને આટલી મોટી રકમ આપવાની થાય, તો ટ્રસ્ટની મિલકતોનું વેચાણ કોણ કરશે અને પૈસાની ચૂકવણી કઈ રીતે થશે? આ સાથે જ અદાલતે બંને પક્ષોને સમાધાન માટે લચીલું વલણ અપનાવવાની અપીલ કરી હતી અને ટકોર કરી હતી કે રાની કપૂર તો પોતાની માંગ માટે લડી જ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે પરિવારના બાકીના તમામ સભ્યો પણ આ વિવાદમાં કેમ લડી રહ્યા છે?
15 વખત મધ્યસ્થીની બેઠક છતાં કોઈ ઉકેલ નહીં
અદાલતે નોંધ્યું હતું કે આ વિવાદને ઉકેલવા માટે અત્યાર સુધીમાં મધ્યસ્થીની 15 બેઠકો યોજાઈ ચૂકી છે, તેમ છતાં કોઈ અંતિમ સમાધાન થઈ શક્યું નથી. રાની કપૂરના વકીલે દલીલ કરી હતી કે તેમના તરફથી સમાધાનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેના પર સામેના પક્ષના જવાબની છ મહિના સુધી રાહ જોવામાં આવી, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. રાની કપૂર મધ્યસ્થી સાથે એકલામાં વાતચીત કરવા માંગે છે. બીજી તરફ, પ્રિયા કપૂર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ મધ્યસ્થીની પ્રક્રિયા આગળ વધારવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે બંને પક્ષોને પૂરતી તક મળી ચૂકી છે, હવે આ પ્રક્રિયાનો અંત લાવવો જોઈએ.
રાની કપૂરના દાવાને કારણે મધ્યસ્થી પ્રક્રિયા અટવાઈ
સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મધ્યસ્થીના મતે વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ આવી શકે તેમ છે, પરંતુ હાલ બે મુખ્ય અડચણો ઊભી થઈ છે. તેમાં પહેલી અડચણ પ્રતિવાદી નંબર 10 અને 11ના ટ્રસ્ટમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા તથા તેની શરતોની છે, જ્યારે બીજી અડચણ રાની કપૂરના 6,000 કરોડ રૂપિયાના દાવાના નિકાલની છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાની કપૂરના આ દાવાને કારણે મધ્યસ્થીની પ્રક્રિયા સંપૂર્ણપણે ગતિરોધ પર આવીને અટકી ગઈ છે.
મધ્યસ્થીના મોહમાં નહીં પડીએ: સુપ્રીમ કોર્ટનું કડક વલણ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમની સામે બે સ્પષ્ટ વિકલ્પો મૂક્યા છે. પહેલો વિકલ્પ એ કે મધ્યસ્થીની પ્રક્રિયા સમાપ્ત કરીને મુખ્ય કેસની સુનાવણી શરૂ કરવામાં આવે અને બીજો વિકલ્પ એ કે મધ્યસ્થી ચાલુ રાખવામાં આવે. અદાલતે કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, કોર્ટ મધ્યસ્થીની પ્રક્રિયાના મોહમાં નહીં પડે અને તેનાથી પ્રભાવિત પણ નહીં થાય. અંતમાં બેન્ચે સ્પષ્ટ કર્યું કે તેઓ ટૂંક સમયમાં આ મામલે એક સંક્ષિપ્ત આદેશ પસાર કરીને આ કાર્યવાહીનો અંત લાવશે.









