ઉત્તરાખંડમાં કાળમુખો અકસ્માત: 100 મીટર ઊંડી ખીણમાં વાન ખાબકતા 8 મહિલા સહિત 9 લોકોના કમકમાટીભર્યા મોત, CM ધામીએ આપ્યા એરલિફ્ટના આદેશ

ઉત્તરાખંડમાં કાળમુખો અકસ્માત: 100 મીટર ઊંડી ખીણમાં વાન ખાબકતા 8 મહિલા સહિત 9 લોકોના કમકમાટીભર્યા મોત, CM ધામીએ આપ્યા એરલિફ્ટના આદેશ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તરાખંડના પૌડી જિલ્લાના રિખાનીખાલ બ્લોકમાં શનિવારે ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રિખાનીખાલ-સતપુલી મોટર માર્ગ પર કલવાડી ગામ નજીક એક વાન બેકાબૂ થઈને લગભગ 100 મીટર નીચે ખીણમાં ખાબકી ગઈ. આ ઘટનામાં કુલ 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જેમાં વાહનચાલક અને સાત મહિલાઓનો સમાવેશ થાય છે.

સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત

જાહેરાત

અકસ્માતમાં ઘાયલ થયેલી 8મી મહિલાએ રિખાનીખાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. વાહનમાં લગભગ 12 લોકો સવાર હોવાની માહિતી છે. અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને એરલિફ્ટ કરીને એમ્સ ઋષિકેશ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

બેંકનું કામ પતાવી પરત ફરતા નડ્યો અકસ્માત

મળતી માહિતી અનુસાર, રિખાનીખાલ બ્લોકના કોટનાલી ભંગળવાણની સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી મહિલાઓ બેંક સંબંધિત કામ માટે રિખાનીખાલ ગઈ હતી. કામ પૂરું કરીને તેઓ ઇકો વાનમાં પોતાના ગામ પરત ફરી રહી હતી. આ દરમિયાન કલવાડી ગામ નજીક વાહન બેકાબૂ થઈને રસ્તાથી લગભગ 100 મીટર નીચે ખીણમાં ખાબક્યું.

તંત્ર અને ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સૂચના મળતા જ રિખાનીખાલ, લેન્સડોન અને કોટદ્વારથી વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી હાથ ધરી. આ અકસ્માતમાં 8 મહિલા અને ડ્રાઈવરના મૃતદેહ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

ગંભીર ઘાયલોને એરલિફ્ટ કરવા CMના આદેશ

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૌડી ગઢવાલના રિખાનીખાલ ક્ષેત્રના કલવાડીમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા અને ગંભીર ઘાયલોને એરલિફ્ટ કરવાની સૂચના પણ આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત