પિકઅપ-ડમ્પર વચ્ચે ભંયકર અકસ્માત: ગાયને બચાવવા જતાં 8 લોકોના કરૂણ મોત

મધ્ય પ્રદેશના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. છીમકા ગામ નજીક શ્રમિકોથી ભરેલી પિકઅપ ગાડી અને સામેથી આવી રહેલા ઝડપી ડમ્પર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ કાળજાળ અકસ્માતમાં 8 કમનસીબ શ્રમિકએ સ્થળ પર જ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે 32 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતાં વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અડધી રાત્રે સર્જાયા ચીસિયારા
પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ દર્દનાક અકસ્માત રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, હાઈવે પર અચાનક રસ્તા વચ્ચે બેઠેલા ગાયોના ટોળાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પિકઅપ ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને સામેથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પર સાથે ગાડી અથડાઈ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અડધી રાત્રે ચીસિયારોથી આખો હાઈવે ગૂંજી ઊઠ્યો હતો.
રોપણી પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા શ્રમિકો
મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ શ્રમિક ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના વતની હતા. તેઓ ડાંગરની રોપણી (ધાન કી રોપાઈ)નું મજૂરી કામ પૂરું કરીને પોતાના વતન અને પરિવાર પાસે પરત ફરી રહ્યા હતા. પરંતુ કાળની ક્રૂરતા સામે તેઓ પોતાના ઘરે પહોંચે તે પહેલા જ આ માર્ગ અકસ્માતે તેમના પરિવારના માળખાં વિખેરી નાખ્યા છે.
રેસ્ક્યૂ કામગીરી અને સારવાર
ઘટનાની જાણ થતાં જ ગોહદ ચોરાહા થાણા પોલીસ ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક ગોહદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકોને વધુ સારવાર અર્થે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે. હાલમાં તમામ 8 મૃતકોના શબને મોર્ચરીમાં રાખીને તેમની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

