'શાળા ઠીક કરો' અભિયાન વચ્ચે રાજસ્થાન સરકારની નવી ગાઇડલાઇન; કોંગ્રેસે કહ્યું- 'નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ'

રાજસ્થાનની ભાજપ સરકારે રવિવારે રાજ્ય સંચાલિત સરકારી શાળાઓમાં બહારની અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદી દીધા છે. શિક્ષણ વિભાગના પરિપત્રમાં અજાણ્યા લોકોના પ્રવેશ, શાળા પરિસરમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, લાઈવ સ્ટ્રીમિંગ તેમજ વિદ્યાર્થીઓ કે શિક્ષકોની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા પર કડક માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે.
'શાળા ઠીક કરો' અભિયાન વચ્ચે લેવાયો નિર્ણય
આ નવા નિયમો એવા સમયે સામે આવ્યા છે જ્યારે CJP (કોકરોચ જનતા પાર્ટી) ના નેતા આશુતોષ રંકા દ્વારા રાજ્યભરની શાળાઓમાં સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાનું ઓડિટ કરવા માટે 'શાળા ઠીક કરો' અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. રંકાએ જણાવ્યું હતું કે તેમને જયપુર, કોટા, જોધપુર, અજમેર, ઉદયપુર, ભરતપુર, ધોલપુર, બાડમેર અને હનુમાનગઢ સહિતના વિસ્તારોની જર્જરિત શાળાઓના નિરીક્ષણ માટે વિનંતીઓ મળી હતી.
સરકારના આ નિર્ણય સામે વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ આક્ષેપ કર્યો હતો કે, સરકારી શાળાઓની સ્થિતિ સુધારવાને બદલે ભાજપ સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા અને શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર પડદો પાડવા માટે આ નવો રસ્તો શોધી કાઢ્યો છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા મુખ્ય કારણ: સરકાર
માધ્યમિક શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ પગલાં બાળકોના રાઈટ ટુ પ્રાઈવસીની સુરક્ષા કરવા અને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સની શાળા સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવા માટે લેવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું હતું કે બાળકોની સલામતી, ગરિમા અને કલ્યાણ સુનિશ્ચિત કરવું એ શાળા તંત્રની પ્રાથમિક જવાબદારી છે.
રાજસ્થાન સરકારની શાળાઓ માટેની નવી ગાઈડલાઈન:
અધિકૃત સરકારી અધિકારીઓ સિવાય કોઈપણ બહારની વ્યક્તિ આચાર્ય કે શાળાના વડાની પૂર્વ પરવાનગી વિના પ્રવેશ કરી શકશે નહીં.
મુલાકાતીઓએ શાળા પરિસરમાં પ્રવેશતા પહેલા રજિસ્ટરમાં ફરજિયાત એન્ટ્રી કરવી પડશે.
આચાર્ય, શિક્ષક કે અધિકૃત અધિકારીની હાજરી વિના કોઈ પણ વ્યક્તિ વર્ગખંડ, પ્રયોગશાળા, લાઈબ્રેરી, હોસ્ટેલ, રમતના મેદાન કે શૌચાલયમાં જઈ શકશે નહીં.
આચાર્યની લેખિત પરવાનગી વિના વિદ્યાર્થીઓ કે શિક્ષકોની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઈન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
વિદ્યાર્થીઓની સુરક્ષા, ગરિમા કે ગોપનીયતા જોખમાય તે રીતે તેમની અંગત માહિતી કે તસવીરો એકત્રિત કે પ્રસારિત કરી શકાશે નહીં.
શિસ્ત કે શૈક્ષણિક વાતાવરણ બગડવાની આશંકા હોય તો આચાર્ય કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો ઈનકાર કરી શકે છે.
અનધિકૃત પ્રવેશ કરનાર, બહાર નીકળવાનો ઈનકાર કરનાર કે શૈક્ષણિક કામગીરીમાં ખલેલ પહોંચાડનાર સામે આચાર્ય દ્વારા સ્થાનિક પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ને જાણ કરવામાં આવશે.
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023, પોક્સો (POCSO) એક્ટ 2012, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015 તેમજ આઈટી (IT) એક્ટ 2000 હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

